દુર્ઘટના@સુરત: બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 વાહન ચાલકોને ઉડાડ્યા

10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા 
 
દુર્ઘટના@સુરત: બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 વાહન ચાલકોને ઉડાડ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. હાલમા જ હૃદય કંપાવી ઉઠે એવો ભયાનક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.  સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી. જો કે, લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો.


ગત મોડી રાતે (11 જુલાઈ) વેસુ કેનાલ (આઇકોનિક) રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે (જીજે-05 આરટી-5550) રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, તેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો.


અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.


ઘટના અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વાન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ, કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.