દુર્ઘટના@સુરત: મારુતિ સુઝુકીના શો રૂમમાં આગ ફાટી નીકળી, જાણો સમગ્ર બનાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. સુરતમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. પીપલોદ વિસ્તારમાં આવેલા મારુતિ સુઝુકીના શો-રૂમમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ત્રણ ફાયર સ્ટેશનની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી પ્રમાણે પીપલોદ વિસ્તારમાં ઇસ્કોન મોલની સામે મારુતિ સુઝુકીનો શો-રૂમ આવેલો છે. આજે રાત્રિના સમયે શો-રૂમમાં અચાનક આગ ફાટે નીકળી હતી. શો-રૂમના બીજા માળે આગ દેખાતા રસ્તા પર લોકો થંભી ગયા હતા. આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેના પગલે ત્રણ ફાયર સ્ટેશન મજુરા, માનદરવાજા અને વેસુ ફાયર સ્ટેશનની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલતો ફાયર વિભાગની 7 ગાડીઓ અને જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તબક્કે આગની ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ સાથે જ આગનું કારણ પણ હાલ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ દ્વારા આસપાસમાં પણ આગ ન ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ફાયર ઓફિસર અક્ષયે જણાવ્યું હતું કે, ફાયર વિભાગ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે આજે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું. ચાર માળ સુધી આગ પ્રસરી ગઈ હતી. કટારિયા મારૂતિ સુઝુકીના શો રૂમ માં ગ્રાઉન્ડના 4 માળમાં કેબલ ની લાઇનમાં આગ લાગી હતી. શો રૂમમાં કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. ચાર માળના કેબલ અને ફર્નિચર સહિત બે કાર બળીને ખાખ થઈ ગઈ છે. જેથી લાખોના નુકશાનની આશંકા સેવવામાં આવી રહી છે.