દુર્ઘટના@સુરત: મનહર પ્રોસેસિંગ મિલમાં બોઇલર ફાટતાં ભયાનક આગ લાગી અને 1 યુવકનું મોત નીપજ્યું

અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો
 
 દુર્ઘટના@સુરત: મનહર પ્રોસેસિંગ મિલમાં બોઇલર ફાટતાં ભયાનક આગ લાગી અને 1 યુવકનું મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના ભયાનક બનાવો સામે આવતા હોય છે. હાલમાં સુરતથી આગ  લાગવાની ભયાનક ઘટના સામે આવી છે. સુરતના બમરોલી વિસ્તારમાં આવેલી મનહર પ્રોસેસિંગ મિલમાં મધરાત્રે બોઇલર ફાટતાં આગની ઘટના બની હતી. આ ઘટનામાં મિલમાં કામ કરતા ચાર જેટલા કારીગરો ગંભીર રીતે દાઝ્યા હતા. જેમાંથી એક કારીગરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત ત્રણ કારીગરને નજીકની ભરતી મૈયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બનાવને પગલે ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવી સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.


સુરતના વધુ એક ડાઇન પ્રિન્ટિંગ મિલમાં આગના બનાવની ઘટના સામે આવી હતી. સુરત ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ બમરોલી પાંડેસરા રોડ પર આવેલી મનહર પ્રોસેસિંગ ડાયન એન્ડ પ્રિન્ટિંગ મિલમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલને રાત્રે 2:42 વાગ્યે ફોન પર માહિતી મળી હતી કે બમરોલી રોડ પર આવેલા મનહર પ્રોસેસિંગ મિલની ટેન્કમાં ઓઇલ લીકેજ થવાને કારણે આગ લાગી છે. બનાવની જાણ થતા ભેસ્તાન અને પાંડેસરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. 5થી વધુ ફાયર ફાઈટર સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.


આગની આ ઘટનામાં મનહર પ્રોસેસિંગ મિલમાં આવેલ ઓઇલ ટેન્કમાં લિકેજના કારણે અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેને લઇ મીલમાં ઓઇલ ટેન્ક પાસે કામ કરી રહેલા ચાર જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. જેને લઇ તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની ભારતી મૈયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા 40 વર્ષીય વિદ્યાભગતને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય 35 વર્ષીય રાજેશ ઓમ પ્રકાશ, 30 વર્ષીય દીપુ બાબરી અને 42 વર્ષીય લક્ષ્મણ પ્રસાદ ગંભીર રીતે દાઝ્યા હોવાથી હોસ્પિટલમાં તમામની સારવાર ચાલી રહી છે. મિલમાં બનેલી આગની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને સમગ્ર બનાવવા અંગે ખટોદરા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.