દુર્ઘટના@સુરત: પતરા કાપવાનું મશીન યુવક પર પડતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરાં કાપવાનું ભારે ભરખમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું.આ દરમિયાન આ મશીન નીચે પટકાતા કામ કરી રહેલા 28 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહારના વતની અને હાલ ઇચ્છાપોર ગાયત્રી નગરમાં 28 વર્ષીય જીતેન્દ્ર ગોરખભાઈ ચૌધરી ભાઈ સાથે રહેતો હતો.
જીતેન્દ્ર સ્થાનિક વિસ્તારમાં આવેલી મા કાલી ક્રેન સર્વિસમાં છેલ્લા ત્રણ વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નાનો ભાઈ કરમુ ચૌધરી પણ ક્રેન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે. પરિવારમાં માતા-પિતા અને પાંચ ભાઈ-બહેનો છે. માતા પિતા અને બે બહેનો અને એક ભાઈ તેમના વતનમાં રહે છે. મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે લોહી લુહાણ થઇ બેભાન થઈ ગયો હતો.
જેથી સૌ ભેગા થઈ જતા ક્રેનથી મશીન ઉંચુ કરી જીતેન્દ્રને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ 108ને જાણ કરતા થોડીવારમાં 108 આવી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યો હતો. આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી ઇચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.