દુર્ઘટના@સુરત: વૃદ્ધાને બાઈક ચાલકે અડફેટમાં લેતા ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું

પોલીસે કિશોર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
 
સુરત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. કોસાડ આવાસ નજીક પગપાળા પસાર થતી વૃદ્ધાને બાઈક ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલી વૃદ્ધાનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

બનાવ અંગે પોલીસે કિશોર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કોસાડ આવાસ ખાતે રહેતા 70 વર્ષીય ગજીબેન રણાજી વણજારાનો પુત્ર સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.

શુક્રવારે મોડી સાંજે ગજીબેન શાકભાજી લેવા ઘરેથી નીકળ્યા હતા. તેઓ ઘરની સામે પગપાળા પસાર થતા હતા. ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા એક બાઈક ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા ગજીબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.