દુર્ઘટના@સુરેન્દ્રનગર: ટ્રેક્ટરની ટ્રોલીમાં કરંટ લાગતા 3 મજૂરના મોત થયા, કેવી રીતે દુર્ઘટના સર્જાઈ ?

પાંચ ગંભીર રીતે દાઝ્યા

 
દુર્ઘટના@સુરેન્દ્રનગર: ટ્રેક્ટરની ટ્રોલીમાં કરંટ લાગતા 3 મજૂરના મોત થયા, કેવી રીતે દુર્ઘટના સર્જાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરેન્દ્રનગર જિલ્લાથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જેમાં બુબવાણા ગામ નજીક ટ્રેક્ટરની ટ્રોલમાં બેસી મજૂરો જઈ રહ્યા હતા ત્યારે કરંટ લાગતી ત્રણ મજૂરોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના બુબવાણા ગામ નજીક ખેતરમાં કામ કરવા ટ્રેક્ટરની ટ્રોલીમાં મજૂરો જઈ રહ્યા હતા ત્યારે હાઈ ટેન્સન વાયર ટ્રોલીને અડી જતા તેમાં બેઠેલા મજૂરોને કરંટ લાગ્યો હતો, કરંટ એટલો જબરદસ્ત હતો કે, ત્રણ મજૂરોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ પાટડી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો, અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ મજૂરોને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રો અનુસાર, મજૂરો ખેતરમાં કાલા વીણવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણના સ્થળ પર જ મોત થયા છે, જેમને પીએમ માટે, જ્યારે અન્ય પાંચ ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે પાટડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર અધિકારી પાંત ઓફિસર, મામલતદાર, નાયબ મામલતદાર પણ ઘાયલ મજૂરોની સંભાળ લેવા માટે સરકારી હોસ્પિટલ પહોંચી ગયા હતા, અને દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે મામલે માહિતી મેળવી સાંત્વના આપી હતી. કરંટ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ મજૂરો મધ્યપ્રદેશના જાબુઆના અલિરાજપુર તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં બે મહિલા લાડુબેન અને ઉર્મિલાબેન અને એક પુરૂષ કાજુભાઈનો સમાવેશ થાય છે. જ્યારે બાલીબેન, સુખીબેન, નરેશભાઈ, સુરમજી અને રૂદભાઈ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમની સારવાર ચાલી રહી છે.