દુર્ઘટના@વડોદરા: નશાની હાલતમાં ધૂત નબીરાએ 2 એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો, 1નું મોત

ગાડીમાંથી નશાકારક પ્રવાહી ભરેલ બોટલ મળી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. આ ભયાનક અકસ્માતમા ગણા લોકો મોતને ભેટતા હોય છે.  વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની હાલતમાં ધૂત નબીરાએ 2 એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમજ બ્રિજની સાઈડમાં બેઠેલાં યુવક અને યુવતીઓને અડફેટે લીધી હતી.

જેમાં MBAનો અભ્યાસ કરતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ અકસ્માતે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ તાજી કરાવી હતી. તથ્યને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં તેમ આ ઘટનામાં પણ કારચાલક નબીરાને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. મૃતક યુવક અને ઇજાગ્રસ્ત બન્ને યુવતી પારૂલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.


આ અંગે એસીપી એ. વી. કાટકડે જણાવ્યું હતું કે, ગત રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સર્જાયેલ અકસમતા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઇસમ સામે આઈપીસી કલમ 304 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ આરોપીની ગાડીમાંથી નશાકારક પ્રવાહી ભરેલ બોટલ મળી આવી હતી. તે બાબતે પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહિમાં એફએસએલની ટીમને બોલાવી અન્ય નાની-નાની નાશકારક બોટલો અંગે સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાં કઈ આવશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


વધુમાં જણાવ્યું હતું કે, કારચાલક પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ નશો ન કર્યો હોવાનું સામે આવ્યું છે. તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાં કઈ જાણવા મળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસની પેટ્રોલિંગની કાર્યવાહી ચાલુ જ છે. તેની સારવાર બાદ આ ગુનામાં ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.


અમદાવાદના તથ્યકાંડ બાદ પણ ઓવરસ્પીડ વાહનો પર લગામ લાગી નથી. ગત મોડી રાત્રે થયેલા અકસ્માતે તથ્યકાંડ યાદ અપાવ્યો હતો. કારચાલક ઓવરસ્પીડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે નશાની હાલતમાં હોવાનું નજરે જોનારે કહ્યું હતું. આ કારચાલક સ્પીડમાં કાર બ્રિજ પાસે બે એક્ટિવાને ટક્કર મારતા કાર બેથી ત્રણવાર પલટી મારી હતી અને ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ બનાવને લઈ તાત્કાલિક લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.


આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં MBAનો અભ્યાસ કરનાર 24 વર્ષીય આકાશ રાકેશભાઈ ચોબલે (રહે, વાઘોડિયા રોડ, મૂળ કચ્છ, હાલ પરિવાર રાજસ્થાન રહે છે)ને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવમાં અન્ય બે યુવતી આસ્થા પરીખ અને પ્રીતિ શર્માને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત કરનાર કલ્પ કનક પંડ્યા અને તેની ફિયાન્સીની હાલ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ બનાવને લઈ ડીસીપી લીના પાટીલ સહિત અકોટા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કારચાલકની અટકાયત કરી હતી. તથ્યકાંડ બાદ આ ઘટનામાં પણ ચાલકને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં અને ખાનગી કારમાં બેસાડી હોસ્પિટલ લઈ જતાં હતાં. પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તેને અન્ય વાહનમાં હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાને લઈ અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


આ બનાવ અંગે અકોટા PI વાય.જી. મકવાણાએ જણાવ્યું હતું કે, કારચાલકની અટકાયત કરી છે. કારમાંથી પ્લાસ્ટિકની બોટલ મળી છે અને તેમાં નશાયુક્ત પદાર્થ હોવાની આશંકા છે. આ અંગે ટેસ્ટ કર્યા બાદ ગુનો નોંધવામાં આવશે. યુવકનું મોત થયું છે તે MBAમાં અભ્યાસ કરતો હતો.


ઉલ્લેખનીય છે કે, શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા અકોટા બ્રિજ પર ઈન અને એક્ઝિટ પોઈન્ટ પર બેરિકેટિંગ કરી વાહનચાલકોની સ્પીડ પર બ્રેક લગાવવામાં આવે તો ચોક્કસથી અકસ્માતોને રોકી શકાય છે. દિવસભર ટ્રાફિકથી ધમધમતા અકોટા દાંડિયા બ્રિજ પર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે અને સાંજના સમયે શહેરના લોકો દાંડિયા બજાર બ્રિજ પર બેસી શહેરનો નજારો માણતા હોય છે. ત્યારે આ પ્રકારે નશામાં ચૂર વાહનચાલક જો બેલેન્સ ગુમાવે તો આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. ત્યારે પોલીસ દ્વારા બ્રિજ પર બેસતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ ન બને.