દુર્ઘટના@વિજાપુર: રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માતમાં 2 મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા

 માતાજીના દર્શન કરી પરત ઘરે જતાં
 
દુર્ઘટના@વિજાપુર: રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક  અકસ્માતમાં 2 મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે.  વિજાપુરના કુકરવાડા-વડાસણ રોડ પર રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર અમદાવાદની બે મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે પાંચ જણાને ગંભીર ઇજા પહોંચી હતી. અમદાવાદના લોકો વિસનગર સધી માતાજીના દર્શન કરી પરત ઘરે જતાં રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

રવિવારે હોળીના દિવસે વિસનગરના સધી માતાજી મંદિરે દર્શન કરી સાત શ્રદ્ધાળુઅો રિક્ષામાં અમદાવાદ તરફ જઇ રહ્યા હતા. ત્યારે વિજાપુર તાલુકાના કુકરવાડા રોડ પર વડાસણ ગામ નજીક રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં બેઠેલા લક્ષ્મીબેન જાદવ તેમજ રમીલાબેન વણકર નામની બે મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય પાંચ જણાને ગંભીર ઇજાઅો થઇ હતી.

જેમાં બે જણાને સારવાર અર્થે અમદાવાદ અને ત્રણ જણાને મહેસાણા સિવિલમાં લઇ જવાયાં હતાં. બંને મહિલાઅોની લાશ વિજાપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લવાઇ હતી. વસઇ પોલીસે અકસ્માત અંગે અમદાવાદ મૃતકોના પરિવારજનોને જાણ કરતાં હોસ્પિટલ દોડી અાવ્યા હતા અને અાક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો.

કમનસીબ મૃતકો1. લક્ષ્મીબેન જાદવ (69)2. રમીલાબેન પરમાર (57)ઈજાગ્રસ્તો1. પલ્લવીબેન ભરતભાઈ પરમાર (35)2. જયેશભાઇ કિરણભાઈ વાઘેલા (31)3. પ્રિયાબેન શૈશવભાઈ સોલંકી (27)4. રવિ રાજુભાઇ મકવાણા (27)5. શૈશવભાઈ મહેશભાઈ સોલંકી (33)(તમામ રહે.કાંકરિયા, અમદાવાદ)