દુર્ઘટના@ગુજરાત: ટ્રેઇલર અને મોપેડ વચ્ચે ભયાનક અકસ્માતમાં 2 યુવાનોના મોત નીપજ્યા

બંધ ટ્રેઇલર સાથે મોપેડ અથડાયું

 
દુર્ઘટના@ગુજરાત: ટ્રેઇલર અને મોપેડ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા 2 યુવાનોના મોત નીપજ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક નર્મદા કેનાલ પાસે એક્ટીવા લઈને બે યુવાનો જતાં હોય ત્યારે ટ્રેઇલર ચાલકે કોઈ ઈન્ડીકેટર આપ્યા વગર ટ્રેઇલર રોડ પર ભયજનક રીતે ઉભું રાખ્યું હતું. જેની સાથે ડબલ સવારી એક્ટીવા અથડાતા બંને યુવાનના મોત નીપજ્યાં હતા. તો અકસ્માત બાદ ટ્રેઇલર મૂકી ચાલક નાસી ગયો હતો.

બનાવની મળતી વિગત મુજબ, હળવદના ટીકર ગામે રહેતા મહેશભાઈ સાકરિયાએ આરોપી ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના ભાઈ જયરાજના એક્ટીવાને અકસ્માત નડ્યો છે અને હળવદ સરકારી હોસ્પિટલ લઇ ગયા છે. જેની સાથે રૂમ પાર્ટનર રાજેશસિંગ પણ હતો. જ્યાં હળવદ હોસ્પિટલ ખાતે ફરિયાદીના ભાઈ જયરાજને ઈમરજન્સીમાં લાવ્યા હતા અને ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. તેમજ રાજેશસિંગને ગંભીર ઈજા પહોંચતા તેને મોરબી સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.

આમ ફરિયાદીના ભાઈ જયરાજ સાકરિયા એકટીવા લઈને રૂમ પાર્ટનર મિત્ર રાજેશસિંગ પઠાનસિંગ વાળા સાથે ચરાડવા ગામ નજીક નર્મદા કેનાલ પાસે પહોંચતા એક ટ્રેઇલરના ચાલકે ટ્રેઇલર જાહેર રોડ પર કોઈપણ પ્રકારના ઈન્ડીકેટર આપ્યા વગર કે નિશાની મુક્યા વગર અડચણરૂપ અને ભયજનક રીતે ઉભું રાખ્યું હતું. જેની સાથે એક્ટીવા અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરિયાદીના ભાઈ જયરાજ અને મિત્ર રાજેશસિંગનં મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રેઇલર મૂકી ચાલક નાસી ગયો હતો. હળવદ પોલીસે ફરાર ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. જેની વધુ તપાસ પી.એસ.આઈ કે એચ અંબારિયા ચલાવી રહ્યા છે. ટ્રેઇલર ચાલકને જલ્દી ઝડપી લેવામા આવશે તેવું તેમણે જણાવ્યું હતું.