દુર્ઘટના@ગુજરાત: ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા 3 લોકોના મોત, 7 ઈજાગ્રસ્ત

બાળક સહિત 7 લોકો ઈજાગ્રસ્ત

 
 દુર્ઘટના@ગુજરાત: ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા 3  લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક અકસ્માતના બનાવો  સામે આવતા હોય છે.  ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે આજે વહેલી સવારે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા એક દંપતીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સાત જેટલા શ્રમિકો ઘાયલ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોની હાલત ગંભીર હોવાના કારણે તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાથી 9 માસના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.


દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ખંગેલા, ઉસ્માનિયા અને ચીખલિયા ગામના શ્રમિકો ટ્રેક્ટરમાં સવાર થઈને અમદાવાદ અને ડીસા તરફ જઈ રહ્યા હતા. તે સમયે વહેલી સવારે ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપરથી પસાર થતા હતા. ત્યારે ટ્રેક્ટરને પાછળથી આવી રહેલા ટેન્કરે જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર પલટી જતા ટ્રેક્ટરમાં સવાર શ્રમિક પરિવારોના એક દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ માસના બાળક સહિત આઠ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી સારવાર દરમિયાન રોનક રાજેશ મેડા (ઉં.વ. 9 માસ)નું પણ મોત થયું છે.


ઘટનાની જાણ થતા કાકણપુર પોલીસ તેમજ 108 ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને 108ની મદદથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ માસના બાળક તેમજ અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં બંનેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારે ઘટનાસ્થળે મૃત્યુ પામેલાં સુરેખાબેન કરણભાઇ દેવધા અને કરણભાઈ જશુભાઈ દેવધાને કાકણપુર સીએચસી ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યાં હતાં. સમગ્ર ઘટના ટ્રેક્ટરની ટ્રોલી પાછળ રિફલેક્ટર ન હોવાને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મૃતકોના નામ

  • કરણ જશુ દેવધા,
  • સુરેખા કરણ દેવધા 
  • રોનક રાજેશ મેડા