દુર્ઘટના@ગુજરાત: બાઇક અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા

ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
 
દુર્ઘટના@ગુજરાત: બાઇક અને કાર વચ્ચેના  ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાંજ હૃદય કંપાવી ઉઠે એવી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનપુર તાલુકાના પાંદરવાડાથી લંભો તરફ જવાના માર્ગ પર આ અકસ્માતની ઘટના બની છે. જેમાં બાઇક પર પતિ-પત્ની અને બાળક જઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી કાર બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક રોડની સાઈડ પણ પર જઈ પડી હતી અને બાઈકના કુરચેકુરચા ઉડી ગયા હતા.


બાઇકચાલક રોડ પર જ્યારે તેમની પત્ની રોડની બાજુમાં ફંગોળાઈ ગયા હતા. જેઓનું ત્યાં જ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે બાળક રોડ પર ફંગોળાઈને પડ્યું હતું. જેનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગેની જાણ પોલીસને થતા બાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તાપસ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે લોકોના ટોળા પણ ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. આ બનાવ અંગે હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.આ અંગે ફરિયાદી મગનભાઈ ધૂળાભાઈ નાયક દ્વારા બાકોર પોલીસ મથકે ફરિયાદ આપી છે જેમાં જણાવ્યું છે કે, તારીખ 15 -05- 2024 ના રોજ બપોરના ચારેક વાગ્યાના સમયે મારા કાકાનો દિકરો રમણભાઈ કાળુભાઈ નાયક તથા તેમની પત્ની રમીલાબેન અને તેમનો પૌત્ર દુર્ગેશ રહેવાસી સરથુણા ભાટીયા ફળીયુ તાલુકો.સીમલવાડા જિલ્લો.ડુંગરપુર જેઓ ત્રણે જણા પોતાની બાઇક લઈ વિરપુર તાલુકાના ભાટપુર ગામે તેઓની દિકરી મુન્નીબેનના ઘરે ગયેલ હતા.

16 તારીખે બપોરના ચારેક વાગ્યાના સમયે અમને જાણવા મળ્યું કે, મારા કાકાનો દિકરો રમણભાઈ નાયક અને તેની પત્ની રમીલાબેન તથા તેનો પૌત્ર દુર્ગેશ સાથે વિરપુર તાલુકાના ભાટપુર ગામેથી પરત સરથુણા ગામે ઘરે આવતા હતા તે સમયે ખાનપુર તાલુકાના પાંડરવાડા થી આગળ કાલીયાકુવા રોડ ઉપર એકસીડંટ થયો છે. જેથી અમે લોકો એકસીડંટ વાળી જગ્યાએ આવ્યા તો રમણભાઈ અને તેમની પત્ની રમીલાબેન સ્થળ પરજ મૃત્યુ પામ્યા હતા. અને તેમનો પૌત્ર દુર્ગેશ જેને શરીરે ઈજાઓ થયેલ હતી. જેથી 108 એમ્બ્યુલન્સમાં લુણાવાડા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડયો હતો. અને આ અકસ્માતવાળી જગ્યાએ બીજા માણસો હાજર હતા તેઓ દ્વારા અમને જાણવા મળ્યું હતું કે, કાલીયાકુવા તરફથી એક બોલેરો ગાડીના ચાલકે પોતાની બોલેરો ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રમણભાઈ નાયકની બાઇકને ટક્કર મારી ગાડી લઈ ભાગી ગયો છે. જે બોલેરો ગાડીની અમે તથા અમારી સાથેના બીજા માણસોએ શોધ ખોળ કરતા અમને જાણવા મળ્યું કે આ અકસ્માત કરનાર બોલેરો ચાલક પોતાના બોલેરો ગાડી પાંડરવાડા થી ખડોદી ગામે જતા રંગીતપુરા ગામ નજીક રસ્તાની બાજુમા ખેતરમા ઉતારી દીધી છે. તેવું જાણવા મળતા અમે તથા પોલીસ આ જગ્યાએ જઈ તાપસ કરી તો રસ્તાની બાજુમા ખેતરમા બોલેરો ગાડી ઉતારી દીધેલ હતી.

જેથી અમો તથા પોલીસના માણસો બોલેરો ગાડી નજીક જતા બોલેરો ગાડીમાં એક ઈસમ ડ્રાઈવીંગ સીટ ઉપર બેસેલ હતો જેના મોઢામાંથી દારૂ પીધેલાની વાસ આવતી હતી. તેને નીચે ઉતારી તેનું નામ પુછતા સુરેશભાઈ કાળુભાઈ ડામોર રહેવાસી. મુડશી તાલુકો.મેઘરજ જિલ્લો. અરવલ્લીનો હોવાનુ જણાવ્યું હતું. જેથી આ બોલેરો ચાલક સુરેશ ડામોરને અમે તથા પોલીસ સાથે બાકોર પોલીસ સ્ટેશન લાવેલા અને આ બોલેરો ગાડીનો ચાલક સુરેશ કાળુભાઈ ડામોર દારૂના નશામા અકસ્માત કરી બાઇક ચાલક રમણભાઈ કાળુભાઈ નાયક તથા તેમની પત્ની રમીલાબેન રમણભાઈ નાયકને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી તથા તેમના પૌત્ર દુર્ગેશને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.

આમ આ બોલેરો ગાડીના ચાલક સુરેશ કાળુભાઈ ડામોર પોતે નશો કરી ગાડી ચલાવવાથી અકસ્માત થશે તો કોઇનું મોત નિપજશે તેવુ જાણવા છતા પોતાની મહિંદ્રા કંપનીની બોલેરો ગાડીની પુરઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઇથી ચલાવીને બદઇરાદે સામેથી આવતી બાઇકની સાથે અથડાવી ટક્કર મારી એકિસડન્ટ કરી બાઇક ચાલક રમણભાઈ નાયક ઉ.વ. આશરે 55 તથા તેની પત્ની રમીલાબેન આશરે ઉ.વ.55 ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી તથા બાઇક ઉપર બેસેલ પૌત્ર દુર્ગેશભાઇ પ્રવિણભાઇ નાયક ઉ.વ.05 ને શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી સારવાર દરમિયાન તેનું પણ મોત થયું છે જેથી મેં મારા ગામ લોકો સાથે આવી આ ઇસમ વિરુદ્ધ ફરિયાદ આપી છે.