દુર્ઘટના@ગુજરાત: મુસાફર ભરેલી બસ નદીમાં ખાબકી, 12 મુસાફર ઇજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને - કોઈ જગ્યાએથી અકસ્માતના ભયાનક બનાવો સામે આવતા હોય છે. આજે બપોર બાદ અંબાજી આબુ રોડ હાઇવે માર્ગ વચ્ચે એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી આબુરોડ જતા માર્ગ પહાડી અને ઢળાંગ વાળો હોવાના લીધે આ માર્ગ પર વારંવાર અકસ્માતો બનતા હોય છે. તો સાથે સાથે અનેકો વળાંક પણ આ માર્ગ પર આવેલા છે. બેફામ ચાલતા વાહનો અને વાહનોમાં ખામી હોવાના લીધે પણ અમુક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી.
અંબાજી પાસે બસનો અકસ્માત સર્જાતા બસ નદીમાં ખાબકી હતી. આ બસમાં 55થી વધુ યાત્રિકો સવાર હતા. અંબાજીથી આબુરોડ માર્ગ પર સુરપગલાં નજીક આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે આબુરોડ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બસમાં 55થી વધુ મુસાફરો સવાર હતા. જેમાંથી બાર જેટલા લોકો ઘાયલ થયા હતા.
રણુજાથી દર્શન કરીને ભક્તો ગુજરાત તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ જગ્યા પર સતત ચોથો અકસ્માતનો બનાવ બન્યો હતો. અગાઉ એક બસ અને બે ટ્રક પણ નદીમાં ખાબક્યા હતા. આ અકસ્માત થતા રાજસ્થાન પોલીસ જવાનોની સુંદર કામગીરી જોવા મળી હતી. ચાલુ વરસાદમાં નદીમાં ઉતરીને લોકોના જીવ બચાવ્યા હતા. ગુજરાતના દેરોલના ભક્તો ત્રણ દિવસની યાત્રા ઉપર રાજસ્થાન રણુજા નીકળ્યા હતા. ત્યારે પરત આવતા આબુ રોડ અંબાજી વચ્ચે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.