દુર્ઘટના@ગુજરાત: એસટી બસ અને ટ્રક વચ્ચેના ભયાનક અકસ્માતમાં 4 લોકોના મોત, 6 મુસાફરને ઈજા

ભયાનક અકસ્માતમાં 4 લોકોના મોત
 
દુર્ઘટના@ગુજરાત: એસટી બસ અને ટ્રક વચ્ચેના ભયાનક અકસ્માતમાં 4 લોકોના મોત, 6 મુસાફરને ઈજા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.  રાધનપુરના ખારીના પુલ પાસે આણંદથી રાપર જતી એસ.ટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેથી 4 લોકોના મોત થયા છે. બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યો છે. જ્યારે બસમાં સવાર 6 મુસાફરોને ઈજા પહોંચી છે. જેથી ઈજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મધરાત્રે બનેલી ઘટનાથી હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરના ખારીયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે 2:00 વાગ્યાની આસપાસ આણંદથી રાપર જતી એસ.ટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેથી બસ અને ટ્રક બન્નેના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા છે. જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી 6 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે મધરાત્રે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી.


એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે, બસ અને ટ્રકના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો. તેમજ બન્ને વાહનોને અલગ કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓએ થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બન્ને અકસ્માત ગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પાટણ અને મહેસાણા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરવામાં આવ્યાં હતા.


બીજી તરફ અકસ્માતના પગલે હાઇવે પરના બંને માર્ગો પર વાહનોનો ચક્કાજામ થયો હતો. હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.