દુર્ઘટના@ગુજરાત: બાઇક સ્લિપ થતાં યુવકનું મોત થયું અને પરિવારજનોમાં શોક છવાયો

યુવકને કાળ આંબી ગયો 
 
દુર્ઘટના@ગુજરાત: બાઇક સ્લિપ થતાં  યુવકનું મોત થયું અને પરિવારજનોમાં શોક છવાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાની ઘટનાઓ સામે આવતા હોય છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગાંધીગ્રામના શીતલપાર્ક પાસે મંગળવારે વહેલી સવારે હાર્લી ડેવિડસન બાઇક સ્લિપ થતાં બાઇકચાલક યુવકનું મોત નીપજ્યું હતું. માતાને ઘરે મૂકીને મંદિરે જતી વખતે યુવકને કાળ આંબી ગયો હતો. એકના એક પુત્રનાં મોતથી પરિવારજનો શોકના દરિયામાં ડૂબી ગયા હતા.

શહેરના અમીન માર્ગ પરના ટાગોરનગરમાં રહેતો સાહિલ નંદલાલભાઇ ઢાલાણી (ઉ.વ.24) મંગળવારે સવારે 4.30 વાગ્યાના અરસામાં તેના માતા ચાંદનીબેનને ઘરે મૂકીને પોતાના બાઇક પર જામનગર રોડ પર ન્યારાના પાટિયા પાસે મસ્ત કલંદર દાદાના મંદિરે જવા નીકળ્યો હતો. સાહિલ ગાંધીગ્રામના શીતલપાર્ક પાસે પહોંચ્યો હતો ત્યારે કોઇ કારણસર બાઇક સ્લિપ થઇ ગયું હતું અને તે બાઇક પરથી ફંગોળાયો હતો. માથામાં ગંભીર ઇજા થવાથી તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સાહિલના પિતા નંદલાલભાઇ માર્કેટિંગ યાર્ડમાં અનાજનો વેપાર કરે છે. સાહિલ એક બહેન સ્નેહાનો એકનો એક ભાઇ હતો અને તેણે એક વર્ષ પહેલાં જ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો.

જામનગર રોડ પર મસ્ત કલંદર દાદાના મંદિરે તા.18ની રાત્રીના મેળો હોય ઢાલાણી પરિવાર ત્યાં ગયો હતો અને રાત્રીના ત્યાં જ રોકાઇ ગયો હતો. મંગળવારે વહેલી સવારે મંદિરેથી સાહિલ તેની માતા ચાંદનીબેનને બાઇકમાં બેસાડી ઘરે મૂકવા ગયો હતો અને માતાને ઘરે મૂકી પરત મંદિરે જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લિપ થયું હતું અને તેનું મોત નીપજ્યું હતું. એકના એક પુત્રનાં મોતથી ઢાલાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પિતા-બહેન શોધવા નીકળ્યા, રસ્તા પરથી લાશ મળી

નંદલાલભાઇ ઢાલાણીએ જણાવ્યું હતું કે, પોતે તથા તેમનો પરિવાર મંદિરે હતો, સોમવારે મધરાતના સાડા ત્રણ વાગ્યે સાહિલ તેના માતા ચાંદનીબેનને ઘરે મૂકવા ગયો હતો. લાંબો સમય વિતવા છતાં સાહિલ પરત આવ્યો નહોતો અને તેનો મોબાઇલ પણ સ્વિચ ઓફ આવતો હોય નંદલાલભાઇ અને તેની પુત્રી સ્નેહા સવારે 5 વાગ્યે પુત્રને શોધવા બુલેટ પર નીકળ્યા હતા. શીતલપાર્ક નજીક પહોંચ્યા હતા ત્યારે ટોળું જોવા મળતાં પિતા-પુત્રી ઊભા રહ્યા હતા અને નજીક જઇને તપાસ કરતા તેમને પોતાનો જ પુત્ર સાહિલ મૃત હાલતમાં જોવા મળ્યો હતો.