દુર્ઘટના@ગુજરાત: ટ્રેલરના ચાલકે ટક્કર મારતાં 2 લોકોના કમકમાટી ભર્યાં મોત નીપજ્યા
પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
Aug 7, 2024, 14:21 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધુ ગયા છે. ફરી એકવાર હૃદય કંપાવી ઉઠે એવી અકસ્માતની ઘટના સામે આવી છે. મોડાસાના દાવલીમાં મામાના ઘરે મહેમાનગતિ માણીને બાઇક પર અમદાવાદ પરત ફરી રહેલા દંપતીને હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે ઉપર ગઢડા કંપા ગામની સીમમાં સામેથી આવી રહેલા ટ્રેલરના ચાલકે ટક્કર મારતાં બાઇક ચાલક પતિનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
જ્યારે પત્નીનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થતાં બારોટ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ટ્રેલરનો ચાલક વાહન મૂકીને ભાગી છૂટ્યો હતો.
આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. અમદાવાદના દંપતીનું મોત થતાં તેમનો એક વર્ષના પુત્રના માથેથી માતા પિતાની છત્રછાયા છીનવાતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.