દુર્ઘટના@રાજકોટ: બાઈક બોલેરો સાથે અથડાતાં 2 સગા ભાઇઓના ટૂંકી સારવારમાં કમકમાટીભર્યા મોત

પોલીસે અજાણ્યાં બોલેરો ચાલક સામે ગુનો
 
દુર્ઘટના@રાજકોટ: બાઈક બોલેરો સાથે અથડાતાં 2 સગા ભાઇઓના ટૂંકી સારવારમાં કમકમાટીભર્યા મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  નેશનલ હાઇવે પર અકસ્માતોના બનાવમાં એકદમ ઉછાળા સાથે વધારો થતો જઈ રહ્યો છે અને જીવલેણ પણ બની રહ્યાં છે. ત્યારે ગઈકાલે સાંજે શાપરમાં કિશાન ગેઈટ પાસે હાઈવે પર ગોઝારો અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો.

કારખાનામાં મજૂરી કામ કરી ઘરે પરત ફરી રહેલાં બે પરપ્રાંતીય સગા ભાઈઓની બાઈક કાળમુખી બોલેરો સાથે અથડાતાં બંને સગા ભાઇઓના ટૂંકી સારવારમાં કમકમાટીભર્યા મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં શાપર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યાં બોલેરો ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક હોટલ પાછળ વાવડીમાં રહેતાં વિરબહાદુર દિનદયાલ વર્મા (ઉ.વ.35) અને તેનો નાનો ભાઈ ચંદ્રપ્રકાશ (ઉ.વ.32) ગઈકાલે સવારે શાપરમાં આવેલ પ્રીશા નામના કારખાનામાં કામ માટે ગયાં હતાં. ત્યાંથી તેઓ પોતાની બાઇકમાં બંને ભાઈઓ ઘરે આવવા માટે નીકળ્યા હતાં ત્યારે સાંજના સાત વાગ્યાની આસપાસ તેઓ શાપરથી રાજકોટ તરફ કિશાન ગેટની સામે પુલ પર પહોંચતા સામેથી રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવતી બોલેરો કાર સાથે બાઈક અથડાતાં બંને ભાઈઓ ફૂટબોલના દડાની માફક રોડ પર પટકાયા હતાં.

બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોના ટોળાએ 108 ને જાણ કરી સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર મળે તે પહેલાં જ બંને ભાઇઓના મોત નિપજ્યા હતાં. બનાવ અંગે જાણ થતાં શાપર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફિક હળવો કર્યો હતો. તેમજ સિવિલ હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

બનાવ અંગે વધુમાં મૃતકના નાના ભાઈએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને તે ચાર ભાઈ અને એક બહેન છે. મૃતક વિરબહાદુર અને ચંદ્રપ્રકાશ પાંચ ભાઈ બહેનમાં મોટા હતાં. મૃતક બંને ભાઈઓ દસ વર્ષ પહેલાં રાજકોટ કામ અર્થે આવ્યાં બાદ તેઓ પરિવાર સાથે વાવડીમાં રહી શાપર કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. વિરબહાદુરને સંતાનમાં બે પુત્ર છે. તેમજ તેમના પત્નીનું એક વર્ષ પહેલાં અવસાન થયેલ છે જે બાદ તેનો એક પુત્ર પોતાની સાથે અને એક વતનમાં રહેતો હતો. તેમજ ચંદ્રપ્રકાશને પણ સંતાનમાં બે પુત્ર છે. બનાવથી શ્રમિક પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.


રાજકોટ-ગોંડલ હાઇવે પર શાપર નજીક થયેલ ગોઝારા અકસ્માતમાં બે સગા ભાઇઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જેમાં મૂળ યુપીના મૃતક વિરબહાદુરને સંતાનમાં બે પુત્ર છે. તેમજ તેમની પત્નીનું એક વર્ષ પહેલાં અવસાન થયું હતું. જે બાદ એક પુત્ર તેઓની સાથે અને એક વતનમાં રહેતો હતો. પહેલાં માતા અને હવે પિતાનું મોત પણ થતાં બંને બાળકો નોધારા બન્યા હતાં.