દુર્ઘટના@સુરેન્દ્રનગર: કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો, 2 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. સાયલાથી ત્રણ કિલોમીટર દૂર દ્વારકા તરફથી પુના તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવતા પલટી મારી જવા પામી હતી. જેમાં બે વ્યક્તિના મોત થયા હતા. આ બાબતે સાયલા પીએસઆઇ એચ.જી.ગોહિલ અજયભાઈ બુધેલીયા, મુકેશભાઈ પરમાર, કમલેશભાઈ ચૌહાણ સહિતના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તને સાયલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા.
આ બાબતે પોલીસની પ્રાપ્ય માહિતી મુજબ મહારાષ્ટ્રના પુનાના વતની સંજયભાઈ ગોવિંદભાઈ રૂઢ અને તેમના પત્ની ઈશિતાબેન અને દીકરો ધીરજભાઈ તેમજ નજીકના સગા ચક્રધારા રાજુભાઈ રાઠોડ સાથે કચ્છમાં લગ્નમાં ગયા હતા. અને લગ્નની રસમ પૂરી કરીને દ્વારકાથી પુના તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સાયલાથી ત્રણ કિમી દૂર કારચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવતા કાર પલટી મારી જવામાં આવી હતી.
જેમાં સંજયભાઈ અને ચક્રધારા રાઠોડનું મોત થયું હતું. બંનેની લાશ સાયલા દવાખાને મોકલી આપવામાં આવી હતી. અને ઇજાગ્રસ્ત ઈશિતાબેન અને ધીરજભાઈને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ બાબતની પુના ખાતે રહેતા સંજયભાઈના પરિવારને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.જ્યારે બીજા અકસ્માતમાં સાયલા માર્કેટિંગ યાર્ડ પાસે પૂરઝડપે પસાર થતાં ડમ્પર ચાલક તે છત્રીયાળા ગામના દશરથભાઈ રણછોડભાઈ મકવાણાને અડફેટે લેતા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં તેમને સાયલા દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ હાથના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.