દુર્ઘટના@સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, 2 લોકોના મોત

ડમ્પર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો,
 
દુર્ઘટના@સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો,  2 લોકોના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે.  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે ટ્રક ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિ બળીને ખાખ થઈ જતાં બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ દાઝી ગયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


લીંબડી-અમદાવાદ હાઇવે પર ભલગામડા સર્કલ પાસે ડમ્પર ચાલકે પાછળથી ટ્રકને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં લીંબડી પોલીસ ટીમ તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર લીંબડી પંથકમાં ભારે ચકચાર મચી હતી.


હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. જેને પગલે ધ બર્નિંગ ટ્રકને જોવા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિ બળીને ખાખ થઈ જતાં બંનેના મોત નીપજ્યા હતા.


આ ઘટનામાં આમીનભાઈ આદમભાઇ આકડા (18 વર્ષ ) અને આદમભાઇ મહંમદભાઈ આકડા (45 વર્ષ )નું જીવતા સળગી જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.