દુર્ઘટના@વડોદરા: સ્કોર્પિયો કારના ચાલકે દંપતીને અડફેટે લેતા મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

બે સંતાન પર આભ ફાટ્યું

 
દુર્ઘટના@વડોદરા: સ્કોર્પિયો કારના ચાલકે દંપતીને અડફેટે લેતા મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગત મોડીરાત્રે સ્કોર્પિયો કારના ચાલકે દંપતીને ઉલાળ્યું હતું. જેમાં પત્નીનું મોત થયું છે અને પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. અકસ્માત બાદ પતિને ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, પતિને હજી ખબર નથી કે, તેમની પત્ની હવે આ દુનિયામાં રહી નથી. પતિની હાલત પણ ગંભીર હોવાથી તેમને પત્નીના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા નથી. માતાના મોતથી બે સંતાનોએ પણ માતાની છત્રછાયા ગુમાવી છે.


વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા વાલ્મિકીનગરમાં રહેતા, કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા વિપુલભાઈ કટુડિયા અને તેમના પત્ની શિલ્પાબેન કટુડિયા ગત રાત્રે જમ્યા પછી મોડીરાત્રે ચાલવા માટે નિકળ્યા હતા. આ સમયે એક સ્કોર્પિયો ચાલક પૂરપાટ ઝડપે આવી હતી અને દંપતીને અડફેટે લીધું હતું. જેમાં પત્નીનું મોત થયું હતું અને પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પત્નીના મોતની જાણ હજી સુધી પતિને કરવામાં આવી નથી.


શિલ્પાબેનના અચાનક મૃત્યુથી 15 વર્ષની માહી અને 10 વર્ષના પ્રિયાંશે માતાની છત્રછાયા ગુમાવી છે. માતાના મૃત્યુથી બંને બાળકો શોકમાં ગરકાવ થઈ ગયા છે અને પિતા પણ હોસ્પિટલમાં દાખલ છે. જેથી બંને બાળકો પર આભ ફાટી પડ્યું છે.


સ્કોર્પિયો ચાલકે બ્રેક મારતા તેના ટાયરના નિશાન પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત કારમાંથી નિકળેલું ફ્યુઅલ અને ઓઈલ પણ ઢોળાયેલું જોવા મળ્યું હતું, સ્કોર્પિયો કારના પાર્ટ્સ પણ તૂટેલા પડેલા જોવા મળ્યા હતા. અકસ્માત રાત્રે થયો હતો. પરંતુ, સવારે પણ લોકો અકસ્માત સ્થળે ટોળે વળેલા હતા. આ ઉપરાંત એમ્પાયર હોસ્પિટલની આખી પાળીને તોડી નાખી હતી અને વીજળીનો થાંભલો પણ તૂટેલો પડેલો જણાયો હતો.


આ ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવામાં જોવા મળે છે કે સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી, અકસ્માત કર્યા બાદ કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. 100 ફૂટથી વધુ આડી થઈ કાર ગલોટિયું મારી હોસ્પિટલ પરિસરની એક દીવાલ અને વીજપોલ તોડી અંદર ઘૂસી ગઈ હતી.