દુર્ઘટના@અમદાવાદ: સાઉથ બોપલના સોબો સેન્ટરમાં અચાનક આગ બાદ મોટો બ્લાસ્ટ, ફટાકડા-પતંગના સ્ટોલ બળીને ખાખ, જાણો સમગ્ર દુર્ઘટના
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાંથી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના સાઉથ બોપલમાં સોબો સેન્ટર ખાતે મોડીરાતે ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ એક મોટો બ્લાસ્ટ સંભળાયો હતો અને જોર-જોરથી ફટાકડાઓ ફૂટવાને લઈ આસપાસના સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ લાગવાને કારણે એક મોટો બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સ્ટોલમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતું, જેમાં બ્લાસ્ટ થયો હતો. પતરાના શેડ બનાવીને દુકાનો ઊભી કરવામાં આવી હતી.
જેમાં ફટાકડા અને પતંગ તેમજ અન્ય દુકાનો પણ હતી. જોકે, ફાયરકર્મીઓ સમયસર પહોંચ્યા હતા અને આગને વધુ પ્રસરતા રોકી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

