દુર્ઘટના@અમદાવાદ: બાવળા-બગોદરા રોડ પર Tiwana કંપનીમાં ભીષણ આગ, 5 ફાયર ટીમો ઘટનાસ્થળે

પેટ્રોલ પંપ નજીક હોવાથી તંત્ર દોડતું થયું:
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર આજે સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે. બાવળા નજીક પેટ્રોલ પંપની બાજુમાં આવેલી Tiwana એનિમલ ફીડ (પશુઆહાર) બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, કંપનીના ગોડાઉનમાં રાખેલા અનાજના જથ્થામાં આગ લાગી હતી અને જોતજોતામાં આખા શેડમાં પ્રસરી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે બાવળા અને સાણંદ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ કાબૂ મેળવી શકી ન હતી.

આખરે તંત્રએ અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. ધોળકા સહિત કુલ 5 ફાયર ટેન્ડરોએ ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવ્યો હતો.

કંપની પેટ્રોલ પંપની બિલકુલ બાજુમાં આવેલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગે સમયસર વોટર કર્ટન બનાવી આગને પેટ્રોલ પંપ સુધી પહોંચતી અટકાવી દીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લાખો રૂપિયાનો અનાજનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ મેટોડા GIDCની Limek હેલ્થકેર કંપનીમાં પણ ભીષણ આગ લાગી હતી, જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.