દુર્ઘટના@ખેડા: અકલાયા નજીક ગમખ્વાર અકસ્માત, 2 યુવાનોને કાળ ભરખી ગયો

વળાંક પર કાબૂ ગુમાવતા અકસ્માત 

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ, ધૂળની ભારે ડમરીઓ ઉડતા રોડ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે બાઈક પર જઈ રહેલા 2 યુવાનો પટકાયા હતા.

બંને યુવાનો લોકગાયક વિક્રમ ઠાકોરના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે અકલાચા ગામ નજીક આ કરુણ ઘટના બની હતી.

બાઇકસવાર તેજ ગતિએ રસ્તાના વળાંક પરથી પસાર થતો દેખાય છે, પરંતુ વળાંક પર તે બાઇક પરનો કાબૂ ગુમાવી બેસે છે અને રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈને ધૂળની ડમરીઓ વચ્ચે નીચે પટકાય છે, જેમાં બાઈક પર સવાર 2 યુવાન મોતને ભેટે છે. અકસ્માત થતાં જ કેટલાક લોકો તરત જ મદદ માટે દોડી આવે છે અને રસ્તા પર પડેલી બાઇકને ઊભી કરવાનો પ્રયાસ કરે છે.

બનાવની જાણ થતા મહેમદાવાદ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતક યુવાનોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. મહેમદાવાદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે તેમજ અન્ય દિશામાં વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.