દુર્ઘટના@છાપી: હિટ એન્ડ રન ઘટનામાં રત્નકલાકારનું મોત નીપજ્યું

લોહીલુહાણ હાલતમાં 108 દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની હદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે.છાપી હાઈવે નજીક તેનીવાડા પુલ પાસે રજોસણા ગામના 45 વર્ષીય રત્નકલાકાર કારખાનેથી ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે પુરઝડપે આવેલી કારે પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડતા પહેલા જ તેમણે જીવ ગુમાવ્યો હતો.

વડગામ તાલુકાના તેનીવાડા ગામ નજીક પુલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રજોસણા ગામના 45 વર્ષીય પરબતજી શંકરજી ઠાકોર ગુરુવારના રોજ સાંજે 6:30 આસપાસ છાપી કારખાનામાં કામ કરીને સાંજે પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કારના ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવી પરબતજીને પાછળથી ટક્કર મારી હતી.

ટક્કર મારીને ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. ટક્કરના કારણે પરબતજીને ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં 108 દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદ શુક્રવારના રોજ મૃતકના ભાઈ શૈલેષભાઈ શંકરભાઈ ઠાકોરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.