દુર્ઘટના@સુરત: 20 વર્ષીય વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરના વસ્તાદેવડી રોડ પર સાંજે અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. GSRTCની વોલ્વો બસને ઓવરટેક કરવાના પ્રયાસમાં મોપેડ સ્લીપ થતાં, જે. ઝેડ. શાહ કોલેજના BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં એકના એક પુત્રની ખોટ પડતા શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલી ‘શ્રીકોન વિંગ્સ’માં રહેતા ગીરીશભાઈ બુંદેલા, જેઓ સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેમનો 20 વર્ષીય પુત્ર જશ બુંદેલા છાપરાભાઠા સ્થિત જે.ઝેડ. શાહ કોલેજમાં અભ્યાસ કરતો હતો. 9 ફેબ્રુઆરીની સાંજે આશરે 4.30 વાગ્યે વસ્તાદેવડી રોડ સહન રેસીડેન્સીની સામે જશ કોલેજથી છૂટીને પોતાના મોપેડ પર ઘરે પરત ફરી રહ્યો હતો.
જ્યારે જશ વસ્તાદેવડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેની આગળ એક GSRTCની વોલ્વો બસ જઈ રહી હતી. જશે આ બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સામેથી એક બાઇક આવતું હોવાથી બ્રેક મારતા રસ્તા પર તેનું મોપેડ અચાનક સ્લીપ થઈ ગયું હતું. સંતુલન ગુમાવવાને કારણે જશ સીધો ચાલુ બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે જશને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત અંગે મહીધરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે.

