દુર્ઘટના@સુરત: ગળામાં પતંગની દોરી ફસાતા બાળકનું મોત, જાણો સમગ્ર દુર્ઘટના

સોસાયટીમાં સાયકલ ચલાવતી સમયે દોરીનો ઘસરકો પડતા જ ઢળી પડ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જે ઉત્તરાયણના પર્વની ખુશીઓને માતમના ગમમાં ફેરવી નાખે તેવા છે. જહાંગીરપુરા વિસ્તારમાં પતંગની કાતિલ દોરીએ એક 8 વર્ષના નિર્દોષ બાળકનો જીવ લેતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હચમચાવી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

મળતી વિગતો અનુસાર, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની અમોલભાઈ બોરસેનો 8 વર્ષનો પુત્ર રેહાન્સ આ અકસ્માતનો ભોગ બન્યો હતો. રેહાન્સ તેના પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો હતો અને ધોરણ-3 માં અભ્યાસ કરતો હતો. તેના પિતા હજીરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તહેવારના માહોલમાં પુત્રના અકાળે અવસાનથી પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે.

ઘટના 15 જાન્યુઆરીના રોજ બપોરના સમયે બની હતી. રેહાન્સ પોતાની સોસાયટીના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહ્યો હતો. તે સમયે આકાશમાંથી એક કપાયેલી પતંગની દોરી લટકતી નીચે આવી હતી. રેહાન્સ સાયકલ પર ગતિમાં હોવાથી તેને અંદાજ ન રહ્યો અને એ કાતિલ દોરી સીધી તેના ગળામાં ફસાઈ ગઈ. ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે ખરેખર કાળજું ધ્રુજાવી દે તેવા છે.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક નિર્દોષતાથી સાયકલ ચલાવી રહ્યો છે અને અચાનક દોરીના ઘર્ષણને કારણે તેનું ગળું ગંભીર રીતે કપાઈ જાય છે. અને ત્યાં જ ઢળી પડીને તરફડવા લાગે છે. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ગળાનો ભાગ ઊંડે સુધી કપાઈ ગયો હોવાથી ડોક્ટરો તેને બચાવી શક્યા નહોતા. હોસ્પિટલ પહોંચતા પહેલા જ માસૂમે દમ તોડી દીધો હતો. કાચ પાયેલી માંઝી અને ચાઈનીઝ દોરીઓ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રમતા બાળકો માટે 'મોતનો ફાંસો' સાબિત થઈ રહી છે.

આ કરુણ દુર્ઘટના વાલીઓ માટે એક મોટી ચેતવણી છે. ઉત્તરાયણના દિવસોમાં જ્યારે હજારો પતંગો આકાશમાં હોય, ત્યારે બાળકોને ઘરની બહાર એકલા ન છોડવા જોઈએ. ખાસ કરીને સાયકલ ચલાવતી વખતે કે ચાલતી વખતે કપાયેલી દોરી ગળામાં આવી જવાની શક્યતા વધી જાય છે. જહાંગીરપુરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે.