દુર્ઘટના@સુરેન્દ્રનગર: પાટડીમાં 3 મહિલા દીવાલ નીચે દટાઈ, 1નું મોત, ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી

અચાનક જ સ્નાનઘાટની બે મસમોટી દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરેન્દ્રનગરના પાટડીમાં 3 મહિલા દીવાલ નીચે દટાઈ. 1નું ઘટનાસ્થળે જ મોત.સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી પંથકમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. પાટડી તાલુકાના કચોલીયા ગામે ગામના સ્નાનઘાટની દીવાલ અચાનક ધરાશાયી થતાં 35 વર્ષીય મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કચોલીયા ગામે આવેલા જાહેર સ્નાનઘાટ પર આજે સવારના સમયે ગામની ત્રણ મહિલા કપડાં ધોઈ રહી હતી. રોજિંદા ક્રમ મુજબ મહિલાઓ પોતાના કામમાં વ્યસ્ત હતી, ત્યારે અચાનક જ સ્નાનઘાટની બે મસમોટી દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘાટના જૂના બાંધકામ પર નવી દિવાલ ખડકી દેવામાં આવી હતી

આ ભયાનક દુર્ઘટનામાં વર્ષાબેન રમેશભાઈ રાઠોડ નામની મહિલા દીવાલના કાટમાળ નીચે પૂરેપૂરી દબાઈ ગઇ હતી. તેમની સાથે રહેલી અન્ય બે મહિલાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વર્ષાબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.

દીવાલ પડવાનો જોરદાર અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક કાટમાળ હટાવી મહિલાને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ કમનસીબે મહિલાને બચાવી શકાઈ નહોતી. આ ગોઝારી ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા આખું ગામ સ્નાનઘાટ પાસે એકઠું થઈ ગયું હતું અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે સ્નાનઘાટની દીવાલ ધરાશાયી થઈ તેનું રિપેરિંગ કામ હજુ થોડા દિવસો પહેલાં જ હાથ ધરવામાં આવ્યું હતું. આ તકલાદી બાંધકામના કારણે જ દીવાલ ધરાશાયી થઈ મહિલાનો ભોગ લેવાયો હોવાનો આક્ષેપ ગામલોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

જો દીવાલનું કામ નવું થયું હતું, તો તે આટલી જલ્દી કેવી રીતે ધરાશાયી થઈ?

શું રિપેરિંગ કામમાં હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવવો પડ્યો છે?

તપાસની માગ

આ અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માગ છે કે, આ સ્નાનઘાટના કામમાં થયેલી ભ્રષ્ટાચાર કે બેદરકારીની તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ હોનારત ન સર્જાય. હાલમાં પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.