ગુનો@અમદાવાદ: પૂજા માટે લોકરમાંથી લાવેલા સોના-ચાંદીના દાગીના લૂંટી બે શખ્સ ફરાર

 1.85 લાખના દાગીના ભરેલી થેલીની ચોરી 
 
ગુનો@અમદાવાદ: પૂજા માટે લોકરમાંથી લાવેલા સોના-ચાંદીના દાગીના લૂંટી બે શખ્સ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ચોરીના બનાવો સામે આવતાજ હોય છે. અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં કલીકુંડ રોડ પર ચીલઝડપની ઘટના બનતા પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. શુક્રવારે બપોરે બે લૂંટારૂઓ વૃદ્ધના હાથમાંથી 2 કિલોથી વધુ ચાંદીના દાગીના અને 84 ગ્રામ સોનાના દાગીના મળી ~ 1.85 લાખના દાગીના ભરેલી થેલીની ચીલઝડપ કરીને ફરાર થઇ ગયા હતા. ધનતેરસ હોવાથી વૃદ્ધ બેંક લોકરમાંથી પૂજા માટે દાગીના લઇને ઘરે પહોંચ્યા ત્યારે ઘરઆંગણે જ આ બનાવ બનતા ધોળકા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધોળકા કલીકુંડ રોડ પર આવેલી દેવ વિહાન સોસાયટીમાં 73 વર્ષીય જયંતીલાલ રાણા પરિવાર સાથે રહે છે. ધનતેરસનો તહેવાર હોવાથી ચોઘડિયું જોઈને પૂજા કરવા માટે વડીલો પાર્જીત મળેલા સોના-ચાંદીના દાગીના લોકરમાંથી લેવા ગયા હતા. પૌત્ર સાથે વાહન પર બેંકમાંથી કુલ ~ 1.85 લાખના સોના-ચાંદીના દાગીના લઇને બાર વાગ્યાની આસપાસ તેઓ કરિયાણાની દુકાને અને દૂધની દુકાને વસ્તુઓ લેવા ગયા હતા.

આ સામાન લઇને તેઓ દેવ વિહાન સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે વળવાનું હોવાથી ડાબા હાથમાં દાગીના ભરાવેલી થેલીવાળો હાથ ઊંચો કરતા પાછળથી બાઇક પર આવેલા બે શખ્સો સોના-ચાંદીના દાગીના ભરેલી થેલીની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. જેથી જયંતીલાલ અને તેમના પૌત્રએ છોડે દૂર સુધી લૂંટારૂઓનો પીછો પણ કર્યો હતો, છતાં લૂંટારૂઓ ભાગવામાં સફળ રહેતા આ મામલે ધોળકા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા આરોપીઓના બાઇક પર નંબર ન હતો અને હેલ્મેટ પહેરેલા હતા. છતાંય ગ્રામ્ય એલસીબી સહિતની પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.