માવઠું@ગુજરાત: મહેસાણા-બનાસકાંઠા સહિત આ વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ

 
Varsas

અટલ સમાચાર, ડેસ્ક

એક તરફ વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે આગામી પાંચ દિવસ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં બુધવારે સાંજે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી.

હવામાનની આગાહી પ્રમાણે મહેસાણા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહેસાણા જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા ના કારણે નગરપાલિકા હસ્તક ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારે પવનના કારણે નુકશાન નાઈટ મેચ માટે ઉભા કરાયેલ લાઈટ પોલને નુકશાન થયું હોવાની ઘટના સામે આવી હતી. ખેડૂતો પણ આ કમોસમી વરસાદના કારણે ચિંતિત થઈ ગયા હતા.

કડી તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારોમાં બુધવારે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ પડ્યો હતો. જ્યાં જોટાણા તાલુકાના મોયણ ગામે વીજળી પડવાની ઘટના સામે આવી હતી. જ્યાં ગામની સીમમાં આવેલા તળાવના કિનારે પ્રાચીન ખોડીયાર માતાજીના મંદિર ઉપર વીજળી પડતા અફડા તફડી મચી જવા પામી હતી. કડીમાં એકાએક બુધવારે બપોર બાદ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. કડી પંથકમાં એકાએક વરસાદ પડવાની સાથે ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે કડીના ભીમનાથ રોડ તેમજ કડી માર્કેટ યાર્ડની અંદર પાણી ભરાયા હતા. જ્યાં માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા લાખોનો ખરીફ પાક પલળી ગયો હતો.

બનાસકાંઠા જિલ્લાનાં ભાભર પંથકમાં વરસાદીમાં માહોલ જોવા મળ્યો હતો. ભાભરના અસાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો ભારે પવન સાથે વરસાદ વરસતા મીઠા-થરાદ હાઇવે પર આવેલા અસાણા ગામ નજીક વૃક્ષ થયું ધરાશાયી થવાની ઘટના પણ બની હતી. આ સિવાય જિલ્લાના લાખણી દિયોદર ભાભર સહિતના વિસ્તારોમાં વરસાદની ઘટનાઓ જોવા મળી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આગાહી પ્રમાણે 27મી તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 28મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દેવભૂમિ દ્નારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. 

આ સાથે 29મી તારીખે કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત, દાહોદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30મી તારીખે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગરના અનેક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.