બ્રેકિંગ@ગુજરાત: બનાસકાંઠા-સાબરકાંઠા સહિત આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગરમી રહ્યા બાદ 26 અને 27 તારીખે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 26મી એપ્રિલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ માવઠું થઈ શકે છે, આ સિવાય રાજ્યના અન્ય ભાગોનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગે 27મી એપ્રિલે ઉત્તર રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરીને ભારે પવન સાથે ઝાડ, કાચા મકાન અને પાકને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

હવામાન વિભાગે કહ્યું છે કે, ભારે પવન અને વરસાદના કારણે કાચા રહેણાંક મકાનોને નુકસાન થઈ શકે છે. આ સિવાય જે હળવી વસ્તુઓ છે તે ખુલ્લી પડી હશે તો પવન સાથે ઉડવાની પણ શક્યતાઓ છે. માવઠા દરમિયાન ઘરમાં સુરક્ષિત રહેવાની અને બારી-બારણાં બંધ રાખવાની સલાહ અપાઈ છે. ઝાડની નીચે વરસાદ દરમિયાન ના ઉભા રહેવાનું જણાવાયું છે.

આ સાથે સિવાય વીજળીના થાંભલા, જાહેરમાં રહેલા વીજળીના તારની આસપાસ ના ઉભા રહેવાની સલાહ અપાઈ છે. કોંક્રેટવાળી જમીન તથા દિવાલની નજીક ના ઉભા રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘરમાં વીજળીના ઉપકરણોનો વરસાદ-વીજળી દરમિયાન ઉપયોગ ટાળવો. પાણી ભરેલું હોય તેવી જગ્યાઓ પરથી તાત્કાલિક બહાર નીકળી જવું. વીજળીથી સંચાલિત સાધનોથી દૂર રહેવું જોઈએ.