​​​​​​અપડેટ@દેશ: ચીનના ગ્વાંગઝોઉ શહેરમાં આવેલા વાવાઝોડાને કારણે 5 લોકોના મોત

141 ફેક્ટરીઓને નુકસાન

 
અપડેટ@દેશ: ચીનના ગ્વાંગઝોઉ શહેરમાં આવેલા વાવાઝોડાને કારણે 5 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ભયાનક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાંજ ચીન દેશમાંથી હદય કંપાવી ઉઠે તેવી ઘટના સામે આવી છે.  ​​​​​​ચીનના ગ્વાંગઝોઉ શહેરમાં આવેલા વાવાઝોડાને કારણે પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ગ્વાંગઝોઉ શહેરમાં શનિવારે બપોરે ત્રાટક્યું હતું. આ સમયગાળા દરમિયાન અહીં મહત્તમ 20.6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પવન ફુંકાયો હતો.

વાવાઝોડાને કારણે 141 ફેક્ટરીઓની ઇમારતોને નુકસાન થયું છે. જો કે, રહેણાંક વિસ્તારોને નુકસાન થયું નથી. રેસ્ક્યુ ટીમે શનિવારે (27 એપ્રિલ) સ્થાનિક સમય અનુસાર રાત્રે 10 વાગ્યા સુધીમાં મિશન પૂર્ણ કર્યું છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વાવાઝોડું તેની મહત્તમ તીવ્રતા 5ની સામે 3 સ્તર પર હતું.

હોંગકોંગથી 130 કિલોમીટરના અંતરે સ્થિત ગ્વાંગઝોઉ શહેર ગ્વાંગડોંગ પ્રાંતની રાજધાની છે. ગ્વાંગડોંગ પ્રાંત એ ચીનના સૌથી મોટા પ્રાંતોમાંનો એક છે. તેને ચીનના ઔદ્યોગિક વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં ઘણી ફેક્ટરીઓ છે, જે મોટા પ્રમાણમાં ચાઈનીઝ વસ્તુઓની નિકાસ કરે છે.

ગ્વાંગડોંગ પ્રાંત છેલ્લા કેટલાક સમયથી હવામાનની અસરનો સામનો કરી રહ્યું છે. ગ્વાંગડોંગ પ્રાંતમાં 16 એપ્રિલથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે બચાવ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં 11 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂર અને વરસાદના કારણે 4 લોકોના મોત થયા છે. ચીનના હવામાન વિભાગે મહિનાના અંત સુધીમાં ભારે વરસાદ અને પૂરની ચેતવણી જાહેર કરી છે.