અપડેટ@અમદાવાદ: અમિત શાહ હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાપર્ણ, 1 કરોડ 25 લાખ વૃક્ષો વવાશે’
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમિત શાહ હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું. કહ્યું-‘2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો સંકલ્પ, અમદાવાદમાં 1 વાગ્યા સુધીમાં 1 કરોડ 25 લાખ વૃક્ષો વવાશે’
અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રવિવારના રોજ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ મેગા ઈવેન્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ. 405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં પ્રકૃતિ અને ગ્રીન ગ્રોથને વેગ આપતા હેરિટેઝ પાર્ક અને 101 ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટનું પણ અમિત શાહે લોકાર્પણ કર્યું. ગ્રીન મોબિલિટી અંતર્ગત BRTS નેટવર્કમાં 80 નવી એર કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસોની શરૂઆત કરાઈ છે. આ સાથે જ AMTSમાં પણ નવી 75 એસી બસોનો ઉમેરો થયો છે.
આજે હું અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માગું છું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજના એક જ દિવસમાં આપણા નગરજનોએ મળીને 1 કરોડ 25 લાખ વૃક્ષો રોપિત કરવાનું ભગીરથ કામ કર્યું છે, જ્યારે અમદાવાદ શહેરની ત્રણેય લોકસભા બેઠકોમાં અલગથી 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન હાથ ધરાયું છે.
થોડા સમય પહેલા જ્યારે મેં મિટિંગમાં આ વિચાર મૂક્યો હતો, ત્યારે કોઈએ હા કે ના નહોતી પાડી, પરંતુ આજે જનતાએ તેને સાકાર કરી બતાવ્યો છે. આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પૂરા ભારતમાં ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ નો નારો આપ્યો છે, જેથી આપણે આપણી જનની અને ધરતીમાતા બંનેની યાદમાં એક-એક વૃક્ષ વાવીએ. મને એ વાતનો ગર્વ છે કે ભારત સરકારની સેન્ટ્રલ પેરા મિલિટ્રી ફોર્સે સાત વર્ષમાં 7 કરોડ વૃક્ષો વાવવાનું કામ ગઈકાલે જ સફળતાપૂર્વક પૂરું કર્યું છે.
પર્યાવરણની સુરક્ષા આજે અનિવાર્ય બની ગઈ છે, કારણ કે વધતા જતા વાહનોના ઉપયોગને લીધે કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડનું ઉત્સર્જન ખૂબ વધ્યું છે. આ પ્રદૂષણને કારણે સૂર્યના હાનિકારક કિરણોને રોકતા ઓઝોનના સ્તરમાં 100-100 કિલોમીટરના મોટા ગાબડા પડ્યા છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગાંધીનગરમાં પહેલાં માત્ર 12 પાર્ક હતા, જેની સામે આજે 61 નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ થયું છે. સમગ્ર અમદાવાદમાં AMC દ્વારા 101 ઓક્સિજન પાર્ક લોકાર્પિત કરાયા છે. આ અદ્ભુત આયોજન માટે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર હિતેશ બારોટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. AMCએ દરેક નાગરિકના ઘર સુધી વૃક્ષો વાવવા માટે પ્લાન્ટ પહોંચે તેવી ગાડીઓની પણ વિશેષ વ્યવસ્થા કરી છે. મેં પોતે પણ વર્ષ 2029ની ચૂંટણી સુધીમાં આ ક્ષેત્રમાં 20% ગ્રીનરી વધારવાનો વ્યક્તિગત સંકલ્પ લીધો છે.
પર્યાવરણની સાથે-સાથે ગ્રીન એનર્જીમાં પણ આપણું ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે. આજે સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ક્યાંય લાગ્યા હોય તો તે ગાંધીનગર મત વિસ્તાર છે. આ ઉપરાંત, પ્રદૂષણ ઘટાડવાના ભાગરૂપે આજે નવી ઇલેક્ટ્રિક બસો પણ કામે લાગી છે, જે કાર્બનનું ઉત્સર્જન અટકાવશે અને આ સાથે જ બધી ઇલેક્ટ્રિક બસોનું કામ આજે પૂરું થયું છે. મને જણાવતા આનંદ થાય છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 1,25,93,513 વૃક્ષો વાવવાનું કામ પૂર્ણ થઈ જશે. વિકાસની વાત કરીએ તો, આપણા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધીમાં કુલ 28,492 કરોડ રૂપિયાના વિકાસના કામો આજે પૂરા થયા છે.
અંતમાં હું જનતાને બે વિશેષ અપીલ કરું છું કે, તમારી સોસાયટીનો એક પણ ખૂણો ઝાડ વગરનો બાકી ન રાખતા, ત્યાં વૃક્ષ રોપો જેથી આવનારી પેઢી માટે આ પૃથ્વી જીવવા લાયક બની રહે. બીજી વિસ્તારનું એક પણ ઘર એવું ન હોવું જોઈએ કે જેના પર સોલાર રૂફટોપ ન લાગેલું હોય. ચાલો, સાથે મળીને આપણા વિસ્તારને ગ્રીન અને ક્લીન બનાવીએ.

