અપડેટ@ગુજરાત: ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળાને નાથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુતળી બોલની ટેકનીક અપનાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં વરસાદ આવવાના કારણે કેટલીક જગ્યાએ રોગચાળો ફેલાઈ ગયો છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળાનો આતંક છે. આરોગ્ય તંત્રના અનેક પ્રયાસો છતાં આ મચ્છ જન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. ત્યારે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળાને નાથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુતળી બોલની ટેકનીક અપનાવી છે. આ સુતળી બોલની ટેકનીક કેવી રીતે કામ કરે છે તે જાણવું પણ ખુબ જ રસપ્રદ છે.આ ટેકનીક મચ્છરોના ઉપદ્રવને રોકવામાં ખુબ જ ઉપયોગી સાબીત થઈ શકશે.
શહેરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગે રોગચાળાને કાબુમાં લેવા મેલેરિયા લાર્વાસાઈડ ઓઈલનો છંટકાવ કરવા સુતળી બોલનો સહારો લીધો છે. સુતળી બોલને મેલેરિયા ઓઈલ ભરેલા કન્ટેનરમાં બેથી ત્રણ કલાક બોળી રાખી ત્યાર બાદ પાણી ભરેલી જગ્યાએ ફેંકી મેલેરિયા લાર્વા સાઈડ ઓઈલનો છંટકાવ કરવામાં આવે છે.
આ પ્રકારની ટેકનીક તંત્ર માટે ખુબ જ ઉપયોગી બની રહી છે. બે દિવસમાં 1300થી વધુ જગ્યાએ આ પ્રકારે ઓઈલનો છંટકાવ કરી મચ્છરોના બ્રિડિંગને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના મતે શહેરમાં અલગ અલગ જગ્યાએ જે તે એકમ કે સાઈટ પર કામ બંધ હોય, અને તે જગ્યાએ પહોંચી શકાતું ન હોય પરંતુ તે જગ્યા પર પાણી ભરેલું હોય તેવી જગ્યા પર મચ્છરોના બ્રિડિંગ થતા હોય છે. જેથી આવી જગ્યા પર બિલ્ડિંગની છત પર કર્મચારી ચઢાવવામાં આવે છે.
આવા પાણી ભરાઈ રહેતા ખાડામાં સુતળી બોલ ફેંકી ઓઈલનો છંટકાવ કરવામાં આવે છે. જેથી કરીને મચ્છરોના લાર્વાનો નાશ થઈ જાય છે. મહત્વનું છે કે દિન પ્રતિદિન ડેન્ગ્યુ અને મેલેરિયાનો કહેર વધી રહ્યોં છે ત્યારે ઓઈલ વાળા સુતળી બોલનો નવતર પ્રયોગ મચ્છજન્ય રોગચાળાને નાથવા કરવામાં આવ્યો છે.