અપડેટ@અમદાવાદ: RBI નો મોટો ધડાકો - હવે ફ્રોડથી બચશે તમારા પૈસા !
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડિજિટલ ફ્રોડના વધતા કિસ્સાઓ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી છે. RBI એ ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે, જે મુજબ હવે ગ્રાહક એક ક્લિકમાં પોતાના ખાતામાંથી તમામ પેમેન્ટ બંધ કરી શકશે.
આ સુવિધાને *'સ્ટોપ સ્વિચ'* નામ આપવામાં આવ્યું છે. જો તમને લાગે કે તમારું ખાતું હેક થઈ ગયું છે કે ફ્રોડ થઈ રહ્યો છે, તો તમે બેંક એપમાંથી એક બટન દબાવીને તમામ આઉટગોઇંગ પેમેન્ટ તરત જ બંધ કરી શકશો.
*શું બંધ થશે અને શું ચાલુ રહેશે?*
સ્ટોપ સ્વિચ ચાલુ કર્યા બાદ તમારા ખાતામાંથી કોઈ પૈસા બહાર નહીં જાય. જોકે, પૈસા આવવાનું એટલે કે ઇનકમિંગ ક્રેડિટ ચાલુ રહેશે.
પરંતુ EMI, લોનનો હપ્તો, બેંક ચાર્જ અને પહેલેથી ચાલુ રિકરિંગ મેન્ડેટ પર આ સુવિધા લાગુ નહીં પડે.
*ટ્રસ્ટેડ પર્સનની સુવિધા*
RBI એ 'ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમ' પણ સૂચવ્યું છે. આ હેઠળ તમે કોઈ વિશ્વાસુ વ્યક્તિને નોમિનેટ કરી શકશો. તમે નક્કી કરેલી લિમિટથી મોટું ટ્રાન્સફર થાય તો તે વ્યક્તિને 1 કલાકમાં મંજૂરી આપવી પડશે. મંજૂરી ન મળે તો પેમેન્ટ આપોઆપ રદ થઈ જશે.
આ સુવિધા ફરજિયાત નહીં, સ્વૈચ્છિક રહેશે. UPI અને મર્ચન્ટ પેમેન્ટમાં તે લાગુ નહીં પડે.
*ક્યારે લાગુ થશે?*
આ નવા નિયમો 1 જુલાઈ 2027થી લાગુ થઈ શકે છે. બેંકની બેદરકારીને લગતા નિયમો 1 જાન્યુઆરી 2027થી લાગુ થવાનો પ્રસ્તાવ છે.

