અપડેટ@અમદાવાદ: નામાંકિત રેસ્ટોરન્ટ ઘી ગુડમાં ગ્રાહકોને આપવામાં આવેલી સીંગમાં ઈયળો નીકળી

રેસ્ટોન્ટ સામે એવા પણ સવાલ થઈ રહ્યા છે 
 
અપડેટ@અમદાવાદ: નામાંકિત રેસ્ટોરન્ટ ઘી ગુડમાં ગ્રાહકોને આપવામાં આવેલી સીંગમાં ઈયળો નીકળી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 અમદાવાદના નારણપુરાના શાસ્ત્રીનગરમાં આવેલી નામાંકિત રેસ્ટોરન્ટ ઘી ગુડમાં ગ્રાહકોને આપવામાંઆવેલી સીંગમાં ઈયળો નીકળી હોવાનુ સામે આવ્યુ છે. જો કે આ ઘટના બાદ રેસ્ટોરન્ટના મેનેજર એવો લુલો બચાવ કરતા જોવા મળ્યા કે બહારથી મગાવેલા સીંગદાણામાંથી ઈયળ નીકળી છે. એક્દમ જાણીતી બ્રાન્ડ અને ગ્રાહકો પાસેથી તગડા પૈસા વસુલતી આ રેન્ટોરન્ટની આ પ્રકારની બેદરકારીને લઈને તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શાસ્ત્રીનગર ઘી ગુડમાં એક પરિવાર જમવા ગયો હતો. પરિવારે સીંગ ઓર્ડર કરી. સીંગ પ્લેટમાં આવતા પરિવાર ચોંકી ગયો કેમકે પ્લેટમાં આવેલી સીંગની સાથે કેટલીક ઈયળો પણ હતી. ઈયળ જોતા જ પરિવારે નારાજગી સાથે હોબાળો મચાવ્યો હતો. જોકે આખા વિવાદ બાદ ઘી ગુડ શાસ્ત્રીનગરના મેનેજરનું કહેવું છે કે આ સિંગ તેમની નથી.. તેમણે તો તૈયાર ગુલાબ સીંગનું પેકેટ ખોલ્યું હતું અને તેમાંથી ઈયળ નીકળી હતી.ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે શું આ પ્રકારે જ ગ્રાહકને જે આવે તે પધરાવી દેવાય છે? ખરાઈ કરવાની કે જોવાની કોઈ સિસ્ટમ જ નથી?

રેસ્ટોન્ટ સામે એવા પણ સવાલ થઈ રહ્યા છે કે આ માત્ર બહારની સીંગદાણાના વાત નથી, આ પ્રકારે રેસ્ટોરન્ટના ફુડમાં પણ ગુણવત્તા બાબતે બાંધછોડ નહીં થતી હોય તેની શું ખાતરી ?આ તમામ સવાલ એટલા માટે પણ કારણ કે શહેરના લોકો પાસેથી આવી રેસ્ટોરાં પ્લેટ દીઠ તગડા રૂપિયા વસૂલ કરતી હોય છે. ત્યારે ક્વોલિટી અને ભરોસો જાળવી રાખવાની જવાબદારી રેસ્ટોરાંની હોય છે. જોકે હવે તો મેનેજરે કહ્યુ છે કે તેઓ હવે ગુલાબ કંપનીની સીંગ નહી ખરીદે. જો કે રેસ્ટોરન્ટની સિસ્ટમમાં સુધારો લાવવાનું મેનેજર કંઈ કહેતા જોવા મળ્યા નથી.