અપડેટ@અમદાવાદ: નવ નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલની જામીન અરજી સેશન્સ કોર્ટે આકરાં વલણ સાથે ફગાવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઇસ્કોન બ્રિજ કેસમાં જેલવાસ ભોગવી રહેલા તથ્ય પટેલે જામીન માટે અરજી કરી એવો બચાવ લીધો હતો કે, ગાડીની 141.27ની સ્પીડ માટે કોઈ ટેકનિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. અકસ્માતની જગ્યાએ બેરિકેટિંગ કેમ ન કરવામાં આવ્યું? સ્પીડ માટેનો એજન્સી પાસે આ વીડિયો સિવાય બીજો કોઈ જ પુરાવો નથી. બ્રિજ પર કોઈ ઊભું રહી શકે નહીં. સુપ્રીમ અને હાઇકોર્ટના સંખ્યાબંધ ચુકાદા છે તે જોતા તથ્ય સામે 304ની કલમ ન લાગે, પરંતુ 304(એ)ની કલમ લાગે, આખીય ઘટના પાછળ તથ્યનો કોઇ જ ઇરાદો ન હતો, આકસ્મિક ઘટના બની છે, તથ્ય વિદ્યાર્થી છે અને જેલમાં રહે તો તેના ભણતર પર પણ અસર પડે તેમ છે, કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે. ત્યારે જામીન આપવા જોઇએ.
જોકે, મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, આરોપી 140થી વધુ ઝડપે કાર હંકારતો હોવાનો પુરાવો છે, આરોપી જાણતો હતો કે આટલી ઝડપે અકસ્માત થાય તો કોઇ જાનહાની થાય છતાં તેણે આ સ્પીડે ગાડી ચલાવી છે. જેગુઆર એક્સપર્ટનો રિપોર્ટ છે કે, તેણે બ્રેક મારવાનો કોઇ જ પ્રયાસ કર્યો નથી, આરોપી સામે આવા જ અન્ય ગુના છે તેથી તે રેસ ડ્રાઇવિંગ કરવા ટેવાયેલો છે અને જામીન આપવામાં આવે તો ફરી આવા જ ગુના કરે તેવી શક્યતા છે, આરોપી સામે ચાર્જશીટમાં પુરતા પુરાવા છે ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજમાં કાયદાની વિપરીત અસર પડે તેમ છે તેથી આરોપીના જામીન રદ કરી દેવા જોઇએ.