અપડેટ@ભરુચ: બે ઇસમોને નકલી માર્કશીટ કૌભાંડમાં પોલીસે ઝડપી પાડ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરુચ એલસીબીના પી.એસ.આઈ આર.કે ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલિંગમા હતો. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રાધે ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતો નિરંજન નિર્મળ રાય આઇટીઆઈની અલગ અલગ માર્કશીટ બનાવી આપે છે અને ડૉક્યુમેન્ટની તેના ફોનમાં છે. હાલ તે સજ્જન ઈન્ડિયા કંપનીમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે કંપની બહાર જઈ તેને બહાર બોલાવી તેની પાસે રહેલ ફોન ચેક કરતાં તેમાંથી અંકલેશ્વર આઇટીઆઈ અલગ અલગ માર્કશીટ અને ગુજરાત બોર્ડની ધોરણ-10 તેમજ ઉત્તર પ્રદેશ શિક્ષણ બોર્ડની પી.ડી.એફ ફાઈલો મળી આવી હતી.
પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેણે એક માર્કશીટ પાછળ 5 થી 10 હજાર રૂપિયા લેવા સાથે આ કૌભાંડમાં કોસમડી ગામની સાઈ શ્રધ્ધા રેસિડેન્સીમાં રહેતો તેનો મિત્ર વિવેકસિંગ મદનસિંગ ગ્રાહક શોધી આપતો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આઇટીઆઈની અલગ અલગ માર્કશીટ અંગે વિવેકને પૂછતાં તેણે પાનોલી જી.આઈ.ડી.સીની કંપનીઓમાં નોકરી કરી હોવાથી જરૂરિયાત મુજબ યુવાનો પાસેથી 10થી 12 હજાર લઈ નકલી માર્કશીટ બનાવી આપતા હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે બંને ઇસમોની શંકાસ્પદ રીતે અટકાયત કરી 45 માર્કશીટની પ્રિન્ટ અને બે ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને ઇસમોએ પાંચ વર્ષમાં 30 થી 35 નકલી માર્કશીટ બનાવી હોવાનું પણ કબૂલાત કરી છે.