અપડેટ@છોટાઉદેપુર: મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાતા અનાજમાં મોટા પાયે જીવાત જોવા મળતા વિવાદ સર્જાયો

 અધિકારીએ સમગ્ર મામલે તપાસની ખાતરી આપી
 
અપડેટ@છોટાઉદેપુર: મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાતા અનાજમાં મોટા પાયે જીવાત જોવા મળતા વિવાદ સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 મધ્યાહન ભોજન યોજના વારંવાર કોઇને કોઇ વિવાદમાં રહે છે. ત્યારે હવે ફરી એક વખત મધ્યાહન ભોજનની ગુણવત્તાને અનેક સવાલો લઇને ઉઠ્યા છે.  છોટાઉદેપુરની પ્રાથમિક શાળા નંબર-2માં મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાતા અનાજમાં મોટા પાયે જીવાત જોવા મળતા વિવાદ સર્જાયો છે. મધ્યાહન ભોજન માટેના ઘઉં અને ચોખામાં એટલા મોટા પાયે જીવાત જોવા મળી કે તે અનાજ બિલકુલ ઉપયોગમાં લઇ શકાય તેમ રહ્યું નહોતુ.

બાળકો દ્વારા ભોજન અંગે કરાતી વારંવારની ફરિયાદો બાદ વાલીઓ શાળામાં પહોંચ્યા અને જાતે ગુણવત્તા ચકાસી હતી. પરંતુ આ દરમિયાન અનાજમાં જીવાત જોવા મળતા રોષે ભરાયેલા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

વાલીઓને આક્ષેપ છે કે શાળામાં બાળકોને સડેલું અને અપૂરતું ભોજન પીરસવામાં આવે છે. બીજી તરફ શાળાના આચાર્યએ પણ અનાજ ખાવાલાયક ન હોવાની વાત સ્વીકારી છે. ત્યારે સવાલ એ છે કે જો આવી હલકી ગુણવત્તાવાળું ભોજન બાળકો આરોગે અને બીમાર પડે તો તેના માટે કોણ જવાબદાર ? તો આ તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ સમગ્ર મામલે તપાસની ખાતરી આપી છે. અધિકારીએ કહ્યું કે શાળાની મુલાકાત લેવામાં આવશે અને જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરાશે.