અપડેટ@ગુજરાત: એકતાનગરમાં 900 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનશે!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિકાસયાત્રાને વૈશ્વિક મંચ પર રજૂ કરવા માટે એકતાનગર ખાતે રૂ. 900 કરોડના ખર્ચે અત્યાધુનિક 'ગુજરાત વંદના મ્યુઝિયમ' બનાવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. તેનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોમાં ગુજરાતના ઇતિહાસ પ્રત્યે ગર્વની લાગણી જગાડવાનો અને દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિ અને વારસાથી પરિચિત કરાવવાનો છે.
*7 વિશેષ ગેલેરીમાં ગુજરાતની ગૌરવગાથા*
મુલાકાતીઓને સરળ, રસપ્રદ અને યાદગાર અનુભવ મળે તે માટે મ્યુઝિયમને 7 વિશેષ ગેલેરીમાં વહેંચવામાં આવ્યું છે.
*1. ઓરિએન્ટેશન ગેલેરી -* ગુજરાતની ઓળખનો પરિચય
*2. ઓડિટોરિયમ -* ઇતિહાસની ઝાંખી માટે ખાસ વ્યવસ્થા
*3. ગૌરવ ગેલેરી -* શૌર્યગાથા અને પરાક્રમની પરંપરા
*4. બાઉન્ટીફુલ ગેલેરી -* ગુજરાતની સમૃદ્ધિ અને વૈભવ
*5. ઉત્સવ ગેલેરી -* લોકકલા, તહેવારો અને સાંસ્કૃતિક વૈવિધ્ય
*6. શિલ્પ ગેલેરી -* શિલ્પકલા અને કલાત્મક વારસો
*7. ગુજરાતનું ભવિષ્ય ગેલેરી -* વિકાસથી ભવિષ્યની સફર
આ ગેલેરીઓ દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન, મહાગુજરાત ચળવળ અને અલગ રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપનાથી લઈને આજ સુધીની વિકાસયાત્રાને રજૂ કરવામાં આવશે.
*ટેકનોલોજીથી ઇતિહાસ જીવંત થશે*
આ મ્યુઝિયમની સૌથી મોટી વિશેષતા તેની અત્યાધુનિક ટેકનોલોજી છે.
હોલોગ્રાફિક પ્રસ્તુતિ, ડિજિટલ ડિસ્પ્લે, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન, મોબાઇલ એપ્લિકેશન અને સ્માર્ટફોન સાથે જોડાયેલી સિસ્ટમથી મુલાકાતીઓને ઇતિહાસનો જીવંત અનુભવ થશે.
આ ઉપરાંત AR - ઓગમેન્ટેડ રિયાલિટી અને VR - વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી પ્રવાસીઓ ગુજરાતના વારસાને નજીકથી માણી શકશે.
*પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ*
મ્યુઝિયમમાં એસી કેફેટેરિયા, ખુલ્લી જગ્યા, આરામ માટે બેસવાની વ્યવસ્થા અને ક્લોકરૂમ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ વિકસી રહેલા એકતાનગરના પ્રવાસનમાં આ મ્યુઝિયમ નવો અધ્યાય ઉમેરશે અને ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવશે.

