અપડેટ@ગુજરાત: આજે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે, 35,000 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત યાત્રાએ આવશે. વડોદરાની MS યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યારાબાદ 'નમો 4 વિકસિત ભારત' કાર્યક્રમ અંતર્ગત યુવાઓ સહિત 6000 લોકોને સંબોધશે. આ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડમાં ખાસ Y આકારનું સ્ટેજ તૈયાર કરાયું છે. જેના પર ચાલતા ચાલતા પીએમ મોદી જેન-ઝી અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી અભિવાદન ઝીલશે.
વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ નવસારી પહોંચશે. અહીં નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરી પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે.
વડાપ્રધાનના આગમન પૂર્વે વડોદરા શહેર જાણે રોશનીથી ઝળહળી ઊઠ્યું હોય તેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે. ફતેગંજ, કારેલીબાગ, VIP રોડ અને ન્યૂ VIP રોડ સહિતના મુખ્ય વિસ્તારોને રંગબેરંગી અને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. રાત્રિના સમયે આ લાઇટિંગને કારણે શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોનું સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે.
વડોદરાની MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમની તૈયારી ખાસ GEN-Zને ધ્યાનમાં રાખીને કરવામાં આવી. કાર્યક્રમમાં 6,000 લોકો હાજરી આપશે, જેનું બુકીંગ ફૂલ થઈ ગયું છે.
વડાપ્રધાનના સ્ટેજ સાથે ખાસ 'Y' આકારનો રેમ્પ બનાવાયો છે, જ્યાં આસપાસ યુવાનોને બેસાડાશે. રોકસ્ટારની સ્ટાઇલમાં મોદી રેમ્પ પર ચાલતા-ચાલતા જેન-ઝી વિદ્યાર્થી અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી અભિવાદન ઝીલશે.
એજ્યુકેશન સિસ્ટમ સામે અવાજ ઉઠાવવા માટે રાહુલ ગાંધી હાલ 'છાત્રો કી ગૂંજ' નામનો કાર્યક્રમ કરી રહ્યા છે. કોટાથી લઈ પૂણે સુધી તેઓએ યુવાઓ સાથે એક રોકસ્ટારના અંદાજમાં સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી, જેમાં સ્ટેજથી લઈ તેના ટી-શર્ટ ચર્ચામાં રહ્યા છે. હવે વડોદરામાં પણ પીએમ મોદી જેન-ઝીને આકર્ષવા માટે કોન્સર્ટ સ્ટાઇલમાં સંવાદ કરશે.
ખાસ સ્ટેજ ઉપરાંત કાર્યક્રમને ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક બનાવવા માટે વિશેષ આયોજન કરાયું છે. આ સમગ્ર કાર્યક્રમનું પ્રોડક્શન અને લાઇવ કવરેજ 4K કેમેરાથી કરાશે, જેથી લોકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિઝ્યુઅલ અનુભવ મળી શકે. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, કોઈ સરકારી કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અપનાવવામાં આવી હોય.
‘બુક માય શો’ના રજીસ્ટ્રેશનમાં અત્યાર સુધીમાં 6,000થી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આ નવતર પ્રયોગ અને ડિજિટલ પહેલને કારણે કાર્યક્રમ સ્થળે નાગરિકોનો પ્રવેશ વધુ સરળ અને સુવ્યવસ્થિત બનશે. આ કાર્યક્રમમાં 36,000 લોકો પ્રવેશથી વંચિત રહ્યા છે.
વડોદરાના કાર્યક્રમને લઈ એરપોર્ટથી સભા સ્થળ સુધી ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.સુરક્ષા માટે 2,000થી વધુ જવાનો, 11 DCP અને 17 ACP તૈનાત રહેશે. સભા સ્થળ પર ડ્રોનથી સતત નજર રખાશે. ઈતિહાસમાં પહેલીવાર મંગલ પાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે ઉતરીને બોમ્બ કે શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરી.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવનાર હોવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન રહે તે હેતુસર પંડ્યા બ્રિજથી ફતેગંજબ્રિજ નીચે થઈ જુના વુડા સર્કલ સુધીનો માર્ગના બદલે અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ ફરજ પરના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી ટ્રાફિક સંબંધિત સૂચનાઓનું પાલન કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા જણાવ્યું છે.
વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી નવસારી પહોંચશે. અહીં નવનિર્મિત કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. મુખ્ય રોડથી કમલમ સુધી 1100 મહિલાઓ કળશ લઈ પીએમનું સ્વાગત કરશે. કાર્યાલય બહાર 500 લોકો ડમરું વગાડશે સાથે જ 100 જેટલા લોકો ત્રાસા વગાડી અભિવાદન કરશે.
નવસારીનો આ કાર્યક્રમ એટલા માટે મહત્વનો છે કે, નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ પ્રથમવાર કોઈ જિલ્લા સ્તરના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. 'નમો કમલમ'ના લોકાર્પણ બાદ પીએમ મોદી 5000થી વધુ બુદ્ધિજીવી, ડોક્ટર,એન્જિનિયર,શિક્ષકો સહિત ટોચના કાર્યકરો સાંથે સંવાદ કરશે.

