અપડેટ@ગુજરાત: સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પવન સાથે મેઘરાજાની જોરદાર બેટિંગ

ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
 
અપડેટ@ગુજરાત: સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પવન સાથે મેઘરાજાની જોરદાર બેટિંગ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

જસદણ અને પંથકમાં અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસ્યો છે. જસદણ પંથકના આટકોટ-ચિતલીયા ગામે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારે થોડી જ વારમાં વરસેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી.તો બીજી તરફ ધરતીપુત્રોમાં વરસાદ થતા હરખની હેલી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, વરસાદ ખેંચાતા છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો દ્વારા સિંચાઈલક્ષી પાણી આપવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે વરુણદેવે કૃપા વરસાવતા આવતા હાલ ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.ગીર સોમનાથના શિંગોડા ડેમમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સતત પાણીની આવક થઈ રહી છે. ત્યારે શિંગોડા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. શિંગોડા ડેમના દરવાજા ખોલતા નદી કાંઠે આવેલા 12 જેટલા ગામો સહિત નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અમરેલીના સૂર્યપ્રતાપઢમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા પાકને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત જિલ્લાન વડિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, બગસરા, વડીયામાં ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

રાજકોટના જેતપુર-ધોરાજીમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે સવારથી વાદળછાયા વાતાવરણમાં વરસાદ શરૂ થયો હતો. જેતપુર-ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં ફાયદો થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.