અપડેટ@ગુજરાત: રાજ્યના અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો, ક્યાંક અનાજ પલડી ગયું

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને કરા પડ્યા. અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માવઠુ જોવા મળ્યું છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં બાપુનગર, નિકોલ સહિતના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 1 માર્ચ અને 2 માર્ચના રોજ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્યમાં બપોર બાદ અમદાવાદા, રાજકોટ, જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ક્યાંક માર્કેટયાર્ડમાં અનાજ પલળી ગયું છે, તો ક્યાંક લગ્નના મંડપ પલડી ગયા છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર, શાહિબાગ, નિકોલ સહિતના વિસ્તારમાં કરા પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે ગોતા, ન્યુ રાણીપ, રાણીપ, ચાંદખેડા, સાબરમતી, એસજી હાઈવે, બોડકદેવ, સીજી રોડ, નહેરૂનગર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે.

આ બાજુ જામનગરમાં માર્કેટ યાર્ડમાં બહાર પડેલ અનાજ પલડી જતા વેપારીઓને મોટુ નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્યમાં ખેડૂતો પણ ચિંતીત છે. કેટલાક ખેતરોમાં હજુ પણ રવિ પાક તૈયાર થયેલો છે, જેમાં માવઠાના કારણે નુકશાન થવાની ભીતી સર્જાઈ છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ ડિસ્ટર્સબન્સના કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં માવઠાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં શનિવાર અને રવિવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 30થી 40 કિમીની ઝડપે પવન ફૂકાઈ શકે છે.

હવામાન વિભાગ અનુસાર, 2 માર્ચે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા વિસ્તારમાં છૂટા છવાયા સ્થળો પવન સાથે છૂટાછવાયા સ્થળોએ માવઠાની અસર જોવા મળશે, અને આ બાજુ કચ્છ જિલ્લામાં પણ માવઠાની અસર જોવા મળશે. જ્યારે અન્ય જિલ્લામાં પણ ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવમાનના જાણકાર અંબાલાલ પટેલે પણ ગ્રહોના આધારે 29 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરી છે, તથા રાજ્યમાં માવઠાની અસર જોવા મળશે. આ સિવાય ઠંડી, ગરમી સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 10 માર્ચથી ગુજરાતના તાપમાનમાં વધારો થશે.

ગુજરાતમાં શિયાળાના અંતમાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. માવઠાની અસર રવિ પાકને નુકશાન પહોચાડી શકે છે. હજુ પણ કેટલાક ખેડૂતોના ઘઉં, બાજરી, ચણા, વટાણા, રાઈ, બટાકા જેવા પાક ખેતરોમાં લણવાના બાકી છે જ્યારે માવઠાથી આ પાકમાં નકશાનની ભીતી સેવાઈ રહી છે. બનાસકાંઠા સહિતના માર્કેટ યાર્ડમાં મોટા પાયે અનાજ સહિત બટાકાનો પાક પડ્યો છે, ત્યારે વેપારીઓ પણ આગાહીના પગલે એલર્ટ થઈ ગયા છે, અને માલ ઠેકાણે પાડવા મથામણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આ પહેલા પણ આગાહી કરી છે કે, પશ્ચિમ ડિસ્ટર્બન્સ એટલે કે ઈરાન ઈરાક દરિયામાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. એટલે કે દરિયામાં તોફાન સર્જાયું છે, જેને પગલે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, અરબી સમુદ્રમાં ભેજ સાથે આ પવન ઉત્તર ભારત તથા પશ્ચિમ ભારતમાં વરસાદી માવઠુ લાવે છે. ભારે સિસ્ટમ સર્જાતા તેની અસર, ઉત્તર ભારત સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળે છે. શિયાળામાં સર્જાતી આ સિસ્ટમને એક્સ્ટ્રો ટ્રોપિકલ સ્ટ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે.