અપડેટ@ઈરાન: 100 વધુ શહેરોમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શનો, 45લોકોના મોત, જાણો વધુ વિગતે

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી ધમકી આપી છે કે જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો અમેરિકા ઈરાન પર હુમલો કરશે. 
 
અપડેટ@ઈરાન: 100 વધુ શહેરોમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શનો, 45લોકોના મોત, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઈરાનમાં ફરી એકવાર હિંસા જોવા મળી રહી છે. આ હિંસામાં 45 લોકોના મોત નીપજ્યા હતા. ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ 10 દિવસથી ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ગુરુવારે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી. દેશભરમાં 100થી વધુ શહેરોમાં પ્રદર્શનો થયા છે.

પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા, આગ લગાડી. લોકોએ "ખામેનેઈને મોત" અને "ઇસ્લામિક રિપબ્લિકનો અંત થયો" જેવા નારા લગાવ્યા. કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીના સમર્થનમાં રહ્યા. તેઓ 'આ છેલ્લી લડાઈ છે, શાહ પહેલવી પાછા ફરશે'ના નારા લગાવી રહ્યા હતા.

અમેરિકી હ્યુમન રાઇટ્સ એજન્સી અનુસાર, પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 45 લોકો માર્યા ગયા છે, જેમાં 8 બાળકોનો સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી. જ્યારે 2,270થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકોનું સમર્થન કરતા કહ્યું કે જો તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે છોડીશું નહીં. ત્યારબાદ દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, તેહરાન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે.

આ અશાંતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી ધમકી આપી છે કે જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો અમેરિકા ઈરાન પર હુમલો કરશે. ટ્રમ્પે કહ્યું, “મેં તેમને કહી દીધું છે કે જો તેઓ લોકોને મારવાનું શરૂ કરશે, જેવું કે તેઓ તેમના રમખાણોમાં અવારનવાર કરે છે, તો અમે તેમને ખૂબ જ જોરદાર રીતે નિશાન બનાવીશું.”