અપડેટ@જુનાગઢ: તોડકાંડના મુખ્ય સુત્રધાર PI તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી, મોટા ખુલાસા થવાની શક્યતા

કેવી રીતે કરોડોનો તોડકાંડ સામે આવ્યો ?
 
અટલ સમાચાર ડોટ કોમ,મ ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જુનાગઢ તોડકાંડમાં મોટા અપડેટ સામે આવ્યા છે. તોડકાંડના મુખ્ય સુત્રધાર PI તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, અમદાવાદ ATS એ આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી છે. આરોપી તરલ ભટ્ટની પૂછપરછમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ ખૂલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માધુપુર સટ્ટાકાંડ અને જૂનાગઢમાં મહા તોડકાંડના આરોપી પીઆઇ તરલ ભટ્ટના અમદાવાદ સહિતના નિવાસસ્થાનો પર ગુજરાત એટીએસ (Gujarat ATS) ની ટીમે ગઈકાલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે આજે આરોપી અને સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપડક કરવામાં આવી છે. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું અને એટીએસના હાથે તેની ધરપકડ કરાઈ છે. માહિતી મુજબ, આ કેસમાં એટીએસ અન્ય બે આરોપીઓનું પણ પગેરું દબાવી રહી છે. આરોપી તરલ ભટ્ટની પૂછપરછમાં મોટા ખુલાસા થાય અને ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ ખૂલે તેવી સંભાવનાઓ છે.

પીઆઈ તરલ આર. ભટ્ટ તથા જુનાગઢ સાઇબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દીપક જાની એ ગુજરાત પોલીસને ખળભળાટ મચાવી દે તેવો કાંડ રચ્યો હતો. તરલ ભટ્ટે આપેલી 335 થી વધુ જુદા-જુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાઇબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા હતા. બેંક એકાઉન્ટ કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી 20-20 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હકીકત એક અરજદારની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડિયા એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપી પોલીસ અધિકારીઓ ફરાર થઇ ગયા છે.

કેરળના રહેવાસી કાર્તિક ભંડારીને નવેમ્બર-2023 માં માલૂમ પડ્યું કે, તેમનું HDFC બેંક સહિતના 30 એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયા છે. બેંકમાંથી મળેલી માહિતી અનુસાર, તેમનું એકાઉન્ટ સ્થગિત કરવા માટે જુનાગઢ Cyber Crime Cell ના પીઆઈ એ. એમ. ગોહિલે સૂચના આપી હતી. કાર્તિક ભંડારીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે Junagadh Cyber Crime Cell નો ફોનથી સંપર્ક કર્યો હતો. વારંવાર સંપર્ક કરનારા કાર્તિક ભંડારીને પોલીસ ડરાવવા લાગી હતી, જેથી તેઓ ખુદ જુનાગઢ દોડી આવ્યા હતા.

Junagadh Cyber Crime Cell ના અધિકારીઓને મળતા તેમને નિવેદન અને દસ્તાવેજોના નામે પરેશાન કરી મુક્યા અને આખરમાં ASI દીપક જગજીવનભાઈ જાનીએ વ્યવહારની વાત કરી હતી. કાર્તિક ભંડારીએ 2-3 લાખ રૂપિયા આપવાની વાત કરતાં PI એ. એમ. ગોહિલ અને ASI દીપક જાનીએ 25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ રકમ આપવા માટે કાર્તિક ભંડારી તૈયાર નહીં હોવાથી તેમણે મિત્રની મદદથી Junagadh Range ડીઆઈજી નિલેશ જાજડિયાનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત રજૂ કરી દીધી હતી.