અપડેટ@અમરેલી: રાજુલામાં આવેલા મારૂતિધામ તળાવને ફરવાના સ્થળ તરીકે વિકસાવવામાં આવશે

 મંડળ ટીમ સાથે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.
 
અપડેટ@અમરેલી: રાજુલામાં આવેલા મારૂતિધામ તળાવને ફરવાના સ્થળ તરીકે વિકસાવવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમરેલીના રાજુલામાં આવેલુ મારૂતિધામ શહેરનું ઐતિહાસિક તળાવ છે. જેની આસપાસ, પથ્થરોની ખાણો અને હનુમાનજીનું મંદિર આવેલુ છે. વર્ષો પહેલા અહીં લોકો ફરવા માટે આવતા હતા. હાલ જાળવણીના અભાવે અને તંત્રની નિરસતાને કારણે તળાવ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયુ છે. તળાવની આસપાસ દબાણ પણ કરવામાં આવ્યુ છે.

હાલ આ તળાવને 2.75 કરોડના ખર્ચે ફરવા લાયક સ્થળ બનાવવાની મંજૂરી મળી છે. તળાવની આસપાસ બગીચો પણ બનશે. શહેરમાં એકપણ ફરવા લાયક સ્થળ ન હોવાથી છેલ્લા ઘણા સમયથી લોકોની માગણી હતી. આ માગણીને ધ્યાને લઈને મંજૂરી મળ્યા બાદ હવે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે અને ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે.

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ,સાગરભાઈ સરવૈયા,ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહિત વેપારી મંડળ ટીમ સાથે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. તળાવ આજુબાજુ કરાયેલા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી પણ કરવામાં આવશે. ઝડપથી કામગીરી શરૂ કરવા માટે ધારસભ્ય હિરા સોલંકીએ એજન્સી અને અધિકારીઓને સૂચના આપી દીધી છે. શહેરના લોકોને હવે ફરવાલાયક સ્થળ માટે બહુ લાંબી રાહ નહીં જોવી પડે.