અપડેટ@મહેસાણા: ફિલ્મી અપહરણ:સાસરીમાંથી પરિણીતાનું અપહર,સાસુને ધારિયું બતાવ્યું

3 કારમાં આવી 6 શખસોએ કર્યું અપહરણ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં શુક્રવારે બપોરે ફિલ્મી ઢબે પરિણીતાના અપહરણની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ત્રણ કારમાં આવેલા અજાણ્યા શખસો સાસરીમાંથી પરિણીતાને બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હોવાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

*શું થયું હતું?*

ફરિયાદ મુજબ, 27 નવેમ્બરના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે છઠીયારડા ગામના ગોરાદરા વાસમાં રહેતી કશિશબેન પોતાના સાસરીમાં ઘરે હતા. તે સમયે મોઢા પર રૂમાલ બાંધેલો એક શખસ અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો અને સીડી ચડીને ઉપરના માળે ગયો હતો.

કશિશબેનના સાસુ સવિતાબેને તેને અટકાવીને પૂછપરછ કરતાં શખસે પોતે કશિશને લેવા આવ્યો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ શખસે કશિશબેનને બળજબરીથી નીચે ખેંચી લાવ્યો હતો.

*સાસુને ધારિયું બતાવી ધમકી*

કશિશબેનને બચાવવા વચ્ચે પડેલા સાસુ સવિતાબેનને શખસે ધારિયું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ શખસો કશિશબેનને બળજબરીથી કારમાં બેસાડીને લઈ ગયા હતા.

*ત્રણ કાર, નંબર પ્લેટ પર છાપું*

ફરિયાદમાં જણાવ્યા મુજબ, અપહરણ કરવા આવેલા શખસો ત્રણ અલગ-અલગ કારમાં આવ્યા હતા. જેમાં એક સફેદ અર્ટિગા, બીજી સફેદ કાર અને એક નેવી બ્લુ રંગની કારનો સમાવેશ થાય છે.

ખાસ વાત એ છે કે, કારની નંબર પ્લેટ ઓળખી ન શકાય તે માટે તેના પર સમાચારપત્ર લગાવવામાં આવ્યું હતું. કારના કાચ પણ કાળા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

*6 મહિના પહેલા જ થયા હતા પ્રેમલગ્ન*

મળતી માહિતી મુજબ, છઠીયારડા ગામના નીલ પ્રજાપતિએ 9 જૂન 2026ના રોજ ઊંઝાની કશિશબેન સંજયભાઈ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને સાથે અભ્યાસ કરતા હતા તે દરમિયાન પ્રેમમાં પડ્યા હતા.

19 ઓક્ટોબરે આ યુગલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયું હતું. તે સમયે યુવતીના પરિવારજનોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ પતિ સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તે પતિ સાથે સાસરીમાં રહેતી હતી.

ઘટના સમયે નીલ અને તેના પિતા ખેતરમાં કામે ગયા હતા.

*પોલીસ તપાસ શરૂ*

આ મામલે મહેસાણા તાલુકા પોલીસે 6 અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અપહરણ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ સીસીટીવી ફૂટેજ અને કારની ઓળખના આધારે શોધખોળ કરી રહી છે.