અપડેટ@મહેસાણા: વડાપ્રધાન મોદી જ્યાં ભણ્યા ત્યાંથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, CMએ મ્યુઝિક મ્યુઝિયમની મુલાકાત લીધી

રાજ્યભરની 38,400 શાળાઓમાં અંદાજે 28.58 લાખ બાળકોને પ્રવેશ અપાવવામાં આવશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન મોદી જ્યાં ભણ્યા ત્યાંથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો.CMએ મ્યુઝિક મ્યુઝિયમની મુલાકાત લીધી.8 વિશેષ ગેલેરી અને 360 ડિગ્રી ઇમર્સિવ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003થી શરૂ કરાવેલા શિક્ષણ સેવા યજ્ઞ 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ'ની 24મી કડીનો મંગળવારથી ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાંથી પોતાનું શાળા શિક્ષણ મેળવ્યું હતું, તે વતન વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રિદિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. 25 જૂન ગુરૂવાર સુધી ચાલનારા આ મહોત્સવ અંતર્ગત રાજ્યભરની 38,400 શાળાઓમાં અંદાજે 28.58 લાખ બાળકોને પ્રવેશ અપાવવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતે આંગણવાડીના બે ભૂલકાંઓ સહિત બાલવાટિકાથી ધોરણ-11 સુધીના કુલ 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન મંત્રીમંડળના સભ્યો વિવિધ શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ શાળા વ્યવસ્થાપન સમિતિ વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતા સાથે બેસીને શાળાઓની શૈક્ષણિક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધિઓની સમીક્ષા પણ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર વડનગર ખાતે આકાર લેતા અત્યાધુનિક 'સંગીત સંગ્રહાલય'ની પ્રત્યેક્ષ મુલાકાત લઈ નિર્માણ કાર્યની પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રાજ્યની સંગ્રહાલય નિયામક કચેરીના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહેલું આ સંગ્રહાલય ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંગીત પરંપરાના સંરક્ષણ અને સંવર્ધન માટે એક મહત્વનું વૈશ્વિક માધ્યમ બનવા જઈ રહ્યું છે.

મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન સંગ્રહાલયના વિવિધ વિભાગો અને પ્રદર્શિત થનારી સામગ્ર અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી હતી અને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મહત્વાકાંક્ષી સંગીત સંગ્રહાલય વડનગરની ખ્યાતનામ લોકગાયિકા બહેનો તાના-રીરીની પવિત્ર સ્મૃતિને સમર્પિત કરવામાં આવ્યું છે.

ભારતીય સંગીતની હજારો વર્ષ જૂની સફરને આદિમ યુગથી લઈને આધુનિક કાળ સુધીના વિવિધ તબક્કાઓમાં અહીં એક અનોખા અને અનુભૂતિમય સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવશે. વડનગરના ઐતિહાસિક અને સંગીતમય વારસાથી વૈશ્વિક મુલાકાતીઓને માહિતગાર કરવા માટે અહીં તાના-રીરીની ગૌરવવંતી જીવનગાથા અને તેમની અતુલનીય સંગીતસાધનાનો વિશેષ પરિચય પણ રજૂ કરવામાં આવ્યો છે.

આ પ્રકલ્પ માત્ર એક પ્રદર્શન પૂરતો સીમિત ન રહેતા નવી પેઢીને ભારતીય સંગીતના મૂળભૂત તત્વો સાથે જોડવાનું એક સબળ સાંસ્કૃતિક માધ્યમ બની રહેશે. સંગ્રહાલયના મુખ્ય આકર્ષણ તરીકે આઠ વિશેષ વિષયકેન્દ્રિત ગેલેરીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જે મુલાકાતીઓને સંગીતના વિવિધ પાસાઓનો ગહન અનુભવ કરાવશે.

આદિમ સંગીત ગેલેરીમાં માનવ સંસ્કૃતિના પ્રારંભિક કાળના ધ્વનિઓ અને નિસર્ગ સંગીત ગેલેરીમાં પ્રકૃતિદત્ત સ્વરો જેવા કે પવન, વરસાદ અને પક્ષીઓના કલરવને સ્થાન અપાયું છે. લોક સંગીત ગેલેરીમાં ભારતના વિવિધ પ્રાંતોના પરંપરાગત લોકવાદ્યો અને ગીતોનું પ્રદર્શન હશે, જ્યારે ભક્તિ સંગીત ગેલેરીમાં ભજન અને સૂફી સંગીત જેવા આધ્યાત્મિક પરિમાણોની પ્રસ્તુતિ કરવામાં આવી છે.

આ ઉપરાંત જન સંગીત ગેલેરી સામાજિક ચળવળોમાં સંગીતના પ્રભાવને સ્પષ્ટ કરશે.જ્યારે રાગ સંગીત ગેલેરીમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ-રાગિણીના વૈજ્ઞાનિક પાસાઓને ઉજાગર કરવામાં આવશે. સંગમ સંગીત ગેલેરી દ્વારા વિવિધ સંસ્કૃતિઓના મિલનથી સર્જાયેલા નૂતન સંગીત પ્રવાહોની ઝાંખી રજૂ કરવામાં આવશે. તકનીકી દ્રષ્ટિએ આ સંગ્રહાલય વિશ્વકક્ષાની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

360-ડિગ્રી ઇમર્સિવ પ્રોજેક્શન, ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશન્સ અને ઉચ્ચ ગુણવત્તાની ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ દ્વારા મુલાકાતીઓને સંગીતના અદ્ભુત વિશ્વનો અહેસાસ કરાવવામાં આવશે. સંકુલમાં સંગીત પ્રેમીઓ અને સંશોધકો માટે સંગીત લાઇબ્રેરી, રેકોર્ડિંગ સ્ટુડિયો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેના ખાસ વિસ્તારો પણ વિકસાવવામાં આવ્યા છે.

ખુલ્લા પરિસરમાં સાઉન્ડ ઇન્સ્ટોલેશન્સ અને ભારતના દિગ્ગજ સંગીતકારોના દુર્લભ વાદ્યોનું પ્રદર્શન આ સ્થળને સંગીત પ્રેમીઓ માટે એક યાત્રાધામ તરીકે સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા વડનગર વૈશ્વિક નકશા પર ભારતીય સંગીત વારસાના એક જીવંત અને પ્રેરણાદાયી સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે.

રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સહભાગી થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ સંકુલના પરિસરનું નિરીક્ષણ કરી ત્યાં કાર્યરત વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પાસાઓનું અવલોકન કર્યું હતું. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં રસ દાખવી તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને સંકુલની શૈક્ષણિક કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી.

પ્રેરણા સંકુલ એ વડનગરની એ જ પ્રાથમિક શાળાના ભવનના જીર્ણોદ્ધારની એક પહેલ છે, જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1888માં સ્થાપિત આ ઐતિહાસિક વિદ્યાલયને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાન તરીકે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતામાં વિકાસ તેમજ પરિવર્તનની પ્રેરણાદાયી ભાવનાને મજબૂત કરવાનો છે. આ સંકુલ માત્ર એક શૈક્ષણિક ઇમારત નથી, પરંતુ વડાપ્રધાનના દ્રષ્ટિકોણ મુજબ ભારતભરના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને મૂલ્યોનું સિંચન કરવાનું એક માધ્યમ છે.

આ પ્રેરણા સંકુલમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનું શિક્ષણ આપવામાં આવે છે. અહીંનો વિશિષ્ટ અભ્યાસક્રમ મુખ્યત્વે નવ દૈનિક જીવન મૂલ્યો પર આધારિત છે. આ કાર્યક્રમ ભારતભરના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક તાંતણે જોડીને સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

નિયમોનુસાર 1 જૂનના રોજ 5 વર્ષથી વધુ અને 6 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને બાલવાટિકામાં તેમજ 6 વર્ષથી વધુ અને 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ધોરણ-8 પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ-9માં અને ધોરણ-10 પાસ કરનારાઓને ધોરણ-11માં પ્રવેશ અપાયો છે.

બી.એન. હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણથી જ અનેક પરિસ્થિતિઓનો પોતે અનુભવ કર્યો છે અને હંમેશા છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે. જો તમારામાં ધગશ હોય, તો સામાન્ય પરિવારની વ્યક્તિ પણ વડાપ્રધાન સુધીની મંજિલ સર કરી શકે છે તે વડાપ્રધાને સાબિત કર્યું છે. વડાપ્રધાન બાળપણથી જ નીડર હતા. તેઓ જ્યારે અહીં ભણતા હતા ત્યારે દરેક બાળકના ટિફિનમાંથી થોડું-થોડું આપતા શીખવાડીને સૌને સાથે રાખવાની ભાવના કેળવતા હતા. આજે પણ તેઓ 'સૌનો સાથ સૌનો વિકાસ' ના મંત્ર સાથે વિશ્વમાં દેશનું નામ ઉજાગર કરી રહ્યા છે.

મુખ્યમંત્રીએ શિક્ષણ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પહેલા જ્યારે 100 બાળકો શાળામાં દાખલ થતા ત્યારે ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો ઊંચો હતો, જે આજે ઘટીને 1 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. વડનગરની બી.એન. હાઈસ્કૂલમાં જ ડ્રોપઆઉટ થયેલા 24 વિદ્યાર્થીઓનું ફરીથી નામાંકન કરવામાં આવ્યું છે. આજે સ્થિતિ એવી છે કે જો વિદ્યાર્થી શાળાએ ન આવે તો શિક્ષક પોતે તેના ઘરે જઈને વાલીને સમજાવે છે.

રાજ્યમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે અને તેનો લાભ ગુજરાતના દરેક વ્યક્તિને મળે તેવો સરકારનો પ્રયાસ છે. દીકરીઓ શિક્ષણમાં વધુમાં વધુ આગળ આવે તે માટે સરકારે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' જેવી બે મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે.

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં બાળકો દ્વારા થતા ટીવી અને મોબાઈલના વધુ પડતા વપરાશ અંગે હળવી શૈલીમાં ટકોર કરી હતી. તેમણે બાળકોને આગ્રહ કર્યો હતો કે માતા-પિતા કહે એટલે તરત જ ટીવી અને મોબાઈલ બંધ કરી દેવા જોઈએ અથવા તેનો સમય નક્કી કરવો જોઈએ. તેમણે રમૂજ કરતા કહ્યું કે, બાળકો મમ્મીને તો ગાંઠતા નથી, પણ પપ્પાને થોડા ઘણા ગાંઠે છે. મુખ્યમંત્રીએ શાળામાં પ્રવેશ મેળવી રહેલા તમામ નવદીક્ષિત બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.