અપડેટ@દેશ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

 વિવિધ પ્રોજેક્ટોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે
 
અપડેટ@દેશ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સરદાર સાહેબની જયંતિ છે, ત્યારે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. PM નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની ચરણ વંદના કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર સાહેબને નમન કરી પીએમ મોદીએ લોકોને એકતાના શપથ પણ લેવડાવ્યા હતા. જ્યારે પીએમ મોદીએ પરેડ નિહાળી હતી.

સાથે જ તેઓ એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટેના રૂ. 196 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરશે. વડાપ્રધાન એકતાનગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે ચાલનારી હેરીટેજ ટ્રૈનને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ યોજાનારી પરેડમાં અર્ધ લશ્કરી દળો સાથે પાંચ રાજ્યોના પોલીસ વિભાગ જોડાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે પોતાનું પ્રેરક ઉદબોધન કરશે. ત્યાર બાદ પોલીસજવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. તેના પશ્ચાદભૂમાં આ કિલ્લો હશે. લખપતનો કિલ્લો દેશના એ ચુનિંદા કિલ્લાઓ પૈકીનો એક છે, જ્યાં આજે પણ સ્વાતંત્ર્ય દિને અને પ્રજાસતાક દિને ધ્વજવંદન કરાય છે અને પાકિસ્તાન બોર્ડર સમીપે આવેલા આ ઐતિહાસિક સ્થળે શાનથી તિરંગો લહેરાય છે.

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનના ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિરસરમાં નિર્માણ પામેલા કલમલ પાર્કને લોકો માટે ખુલ્લો મુકાશે. રૂ. 7.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં પ્રવાસીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેના થકી પ્રવાસીઓને કમલમ વિશે માહિતગાર કરવામાં આવશે.