અપડેટ@ગુજરાત: શ્રાવણના છેલ્લા દિવસે રાજ્યમાં મેઘમહેર, ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
ધમડાછા લો લાઇન બ્રિજ પર અંબિકા નદીનાં પાણી ફરી વળ્યાં,
Updated: Sep 2, 2024, 16:39 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ થોડા દિવસ વિરામ લીધો છે. આજે ફરી મેઘરાજાની સવારી આવી ગઈ છે. કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂવાત થઇ ગઈ છે. શનિવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. આ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસ્યો છે. તાપીના સોનગઢમાં સાડાસાત ઈંચ વરસાદ ખાબકતાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેથી ઝાંખરી નદી ગાંડીતૂર બની છે. તો ડાંગના વાઘઈમાં પોણાસાત ઈંચ વરસાદ વરસ્યો છે.
ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું છે. બીજી તરફ પૂરની સ્થિતિમાંથી બહાર આવેલા વડોદરામાં ફરી વરસાદ વરસ્યો છે.