અપડેટ@વડોદરા: લોકસભાની ચૂંટણી લડનારા પ્રશાંત પટેલે કોંગ્રેસમાં રાજીનામું આપતા,મોટો ઝટકો મળ્યો

 કોંગ્રેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા 

 
અપડેટ@વડોદરા: લોકસભાની ચૂંટણી લડનારા પ્રશાંત પટેલે કોંગ્રેસમાં રાજીનામું આપતા,મોટો ઝટકો મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

વડોદરામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યુ છે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને લોકસભાની ચૂંટણી લડનારા પ્રશાંત પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. તેઓ 17 સપ્ટેમ્બરે પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે.

વડોદરા શહેર કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ પણ રાજીનામા આપ્યા છે. પ્રશાંત પટેલ 17મી સપ્ટેમ્બરે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તેઓ ભાજપનો કેસરિયો ધારણ કરવાના છે. પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ અને ભાવેશ પટેલ પણ ભાજપમાં જોડાવાના છે. તો કોંગ્રેસના અનેક કાર્યકરો હોદ્દેદારો પણ ભાજપમાં જોડાશે.

પ્રશાંત પટેલે આપ્યુ નિવેદન

તો ભાજપમાં જોડાવાના સમચારને લઇને પ્રશાંત પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે પીએમ મોદીના વિકાસના કામ અને હિન્દુત્વના એજન્ડાથી પ્રેરિત થઈ તેઓ ભાજપમાં જોડાશે. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસથી કોઇ નારાજગી નથી, પણ હિન્દુત્વના સાગરમાં હું જોડાવવા માગુ છું. કોંગ્રેસ સનાતન ધર્મના વિરૂદ્ધમાં બોલે છે જે ક્યારેય સહન ન થાય. હું છેલ્લા એક વર્ષથી નિષ્ક્રિય હતો, કોંગ્રેસમાં રહેવું કે નહીં તે દુવિધામાં હતો. હવે 17 મી સપ્ટેમ્બરે 500 લોકો સાથે ભાજપમાં જોડાઈશ. મારી સાથે જેને ભાજપમાં જોડાવું હોય તે જોડાઈ શકે છે.

પ્રશાંત પટેલ કોણ છે ?

પ્રશાંત પટેલ 1997માં એમ. એસ. યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. વર્ષ 2015માં અનુજ પટેલના રાજીનામા બાદ પ્રશાંત પટેલને વડોદરા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તે સમયે પ્રશાંત પટેલ વડોદરામાં કોંગ્રેસના ઈતિહાસના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા. જ્યારે પ્રશાંત પટેલને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા એ પહેલા 6 મહિનામાં ચાર પ્રમુખ બદલાઇ ચુક્યા હતા. જે પછી પ્રશાંત પટેલને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.  જે પછી પ્રશાંત પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.