અપડેટ@ગુજરાત: રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ,ખેડૂતો ખુશ ખુશાલ

અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે.
 
અપડેટ@ગુજરાત: રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ,ખેડૂતો ખુશખુશાલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

સૌરાષ્ટ્રભરમાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે રાજકોટ, અમરેલી જિલ્લાના અનેક તાલુકામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી દીધી છે. અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે.રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ કરી હતી. જેમાં અચાનક જ બપોર બાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘસવારી આવી પહોંચી હતી.ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થયા હતા. તો બીજી તરફ, ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં વાવેલા પાકને વ્યાપક ફાયદો થશે.

આ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અમરેલીના રાજુલા અને ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે રાજુલા તાલુકાના ચોત્રા ગામમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગામના બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

તો ખાંભા તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને ધાતકવડી નદીમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ હતી. રાજુલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.અમરેલી જિલ્લાના વડીયા-ખીજડીયા ગામમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે ગામના રોડ પર નદીઓ જેવા દૃશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદને પગલે ગ્રામજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ હતી.